દેવભૂમિ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રૌઢા તેણીના પુત્ર અને પુત્રવધૂએ બોલાચાલી કરી, ગાળો કાઢી, કુહાડી વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે માતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા હેમુબેન ઉર્ફે બુદ્ધિબેન થાર્યાભા જામ નામના 52 વર્ષના પ્રૌઢ મહિલાએ તેમની સાથે રહેતા તેમના પુત્ર જીતુભા ઉર્ફે મુળુભા તેમજ પુત્રવધુ કૈલાશબેન જીતુભા જામ સામે તેમને બિભત્સ ગાળો કાઢી, કુહાડી વડે માર મારી ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદી હેમુબેન ઉર્ફે બુદ્ધિબેન જામને તેમની પુત્રવધુ કૈલાશબેનની ચડામણીથી પુત્ર જીતુભા દ્વારા વારંવાર વિવિધ પ્રકારે પરેશાન કરવામાં આવતા હતા. આટલું જ નહીં, પુત્રવધુ કૈલાશબેને થોડા દિવસો પૂર્વે તેમને ઘર ખાલી કરીને જતા રહેવાનું કહી, માર માર્યો હતો. માતાની પુત્ર-પુત્રવધુ સાર સંભાળ રાખતા ન હોવા ઉપરાંત તેમને વિવિધ પ્રકારે ત્રાસ આપી, પરેશાન કરતા હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે દંપતી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગળિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


