લાલપુર તાલુકાના પીપરટોડા ગામ નજીકથી બાઈક પર પાછળ બેસીને જતાં પટેલ વૃદ્ધને અચાનક ચકકર આવતા બાઈક પરથી પડી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના બાઘલા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં મયુરટાઉનશીપ મહાકાલેશ્ર્વર મંદિરની પાછળ રહેતાં રમેશભાઇ ગોરધનભાઈ કથીરીયા (ઉ.વ.62) નામના નિવૃત્ત વૃદ્ધ ગત તા. 30 ના રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં તેના સંબંધીના બાઈક પાછળ બેસીને બાઘલાથી જામનગર તરફ આવતા હતાં તે દરમિયાન પીપરટોડા ગામ નજીક પહોંચ્યા ત્યારે ચાલુ બાઈક પર અચાનક વૃદ્ધને ચક્કર આવતા નીચે પટકાયા હતાં. તેમાં શરીરે તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃધ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ રમેશભાઈ ગલાણી દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એ જી જાડેજા તથા સાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.