જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા નિવૃત્ત વૃધ્ધને તેના ઘરે બાથરૂમમાં ચકકર આવતા પડી જતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના હાલારહાઉસ પાછળ આવેલા સ્વામિ નારાયણ નગરમાં રહેતાં વૃદ્ધને 10 વર્ષથી શ્ર્વાસની બીમારીના કારણે તબિયત લથડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતાં અતુલભાઈ રહીમભાઈ સબીર મુબારક (ઉ.વ.63) નામના વૃધ્ધને ગત તા.17 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે તેના ઘરે બાથરૂમમાં એકાએક ચકકર આવતા પડી જવાથી બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સાંજના સમયે તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સીકંદરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હાલાર હાઉસ પાછળ આવેલા સ્વામિનારાયણ શેરી નં.4 માં રહેતાં કેશુભાઈ નથુભાઈ પરમાર (ઉ.વ.70) નામના વૃધ્ધને છેલ્લાં એક દાયકાથી શ્ર્વાસની બીમારીની સારવાર ચાલુ હતી. દરમિયાન સોમવારે સવારના સમયે તેના ઘરે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મનિષ પરમાર દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી.