સુપ્રીમ કોર્ટે ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરની ઓટીટી એપ ઓલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થયેલી વેબ સીરિઝ એક્સએક્સએક્સમાં બતાવવામાં આવેલા વાંધાજનક દ્રશ્યો પર ફટકાર લગાવતા કહ્યું કે તે આ દેશની યુવા પેઢીના મગજને દુષિત કરી રહી છે. આ કોર્ટમાં એકતા કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. વેબ સિરીઝ એક્સએક્સએક્સમાં સૈનિકોનું કથિત રૂપે અપમાન કરવા અને તેમના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે જાહેર કરાયેલ ધરપકડ વોરંટને એકતા કપૂર તરફથી પડકારવામાં આવ્યો હતો.
જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એકતા કપૂરને કહ્યું કે, કંઈક કરવાની જરૂર છે. તમે આ દેશની યુવા પેઢીના મનને દુષિત કરી રહ્યા છો. આ ક્ધટેન્ટ બધા માટે ઉપલબ્ધ છે. ઓટીટી (ઓવર ધ ટોપ) ક્ધટેન્ટ કોઈ પણ જોઈ શકે છે. આવી સિરીઝ દ્વારા તમે લોકોને કેવો વિકલ્પ આપો છો? તમે યુવા પેઢીના મનને દૂષિત કરી રહ્યા છો.
એકતા કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે પટના હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ એવી આશા નથી કે આ મામલો ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ થશે. તેમને કહ્યું કે કોર્ટે આ પહેલાં પણ એકતા કપૂરને આવા જ કેસમાં સંરક્ષણ આપ્યું હતું. રોહતગીએ વધુમાં કહ્યું કે આ ક્ધટેન્ટ સબસ્ક્રીપ્શન પર આધારિત છે અને આ દેશમાં દરેકને પસંદગીની સ્વતંત્રતા છે.