જામનગર તાલુકાના બાડા ગામમાં વાડી વિસ્તારમાં પીપરના ઝાડ નીચે ઘોડીપાસાનો જૂગાર રમતા આઠ શખ્સોને પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1 લાખની રોકડ રકમ અને વાહન તથા મોબાઇલ સહિત કુલ રૂા.2,28,200 ના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા બે સહિત 10 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના બાડા ગામના વાડી વિસ્તારમાં આવેલી દિલીપસિંહ ઉર્ફે સંજયસિંહ મહાવીરસિંહ જાડેજાની વાડીમાં પીપરના ઝાડ નીચે ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. ફિરોજભાઈ ખફી, જયદીપસિંહ જાડેજા અને ચેતન ઘાઘરેટીયાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ સર્કલ પીઆઈ વી.એસ. પટેલના નેજા હેઠળ પીએસઆઈ એ.કે. પટેલ, પ્રો.પીએસઆઇ એ. જી. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજા, ફિરોઝ ખફી, ચેતન ઘાઘરેટીયા અને હરદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન કિશોર દયાળજી મંગે, નિલેશ ઉર્ફે જેરી વિજય મકવાણા, દિલીપસિંહ ઉર્ફે સંજયસિંહ મહાવીરસિંહ જાડેજા, ભરત વલ્લભ કનખરા, ભરત મથુરદાસ નંદા, વિજય ડાયા મકવાણા, ઈકબાલ સુલેમાન સોરા, જયેશ સવજી હરવરા નામના આઠ શખસોને પોલીસે રૂા.1,03,200 ની રોકડ રકમ અને રૂા. 30 હજારની કિંમતના 6 મોબાઇલ તથા રૂા.95,000 ની કિંમતના ચાર બાઈક અને બે ઘોડીપાસા મળી કુલ રૂા. 2,28,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
પોલીસે રેઈડ દરમિયાન આઠ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, અને હિતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન ઝાલા નામના બે શખ્સો નાશી ગયા હોય. જેથી પોલીસે 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.