જામનગરમાં ત્રણબતી મચ્છીપીઠ વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે આઠ જેટલા શખ્સોએ એકસંપ કરી યુવાન યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓ ઉપર લોખંડના પાઇપ-ધોકા-છરી અને તલવાર વડે જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં હુશેની ચોકમાં રહેતો ફારુક અનવર ખોડ તથા ફિરોજ ગંઢા, કાદર હુશેન છરેચા સહિતનાઓ રવિવારની રાત્રિના સમયે શહેરના ત્રણબતી વિસ્તારમાં આવેલા મચ્છીપીઠમાં છોટાહાથી વાહનમાંથી મચ્છીના બોકસ ઉતારી રહ્યા હતાં તે દરમિયાન શબીર જુનેશ સંઘાર, અકરમ દિલાલ સંઘાર, મહેબુબ કાસમ સંઘાર, મહમદ રજા ઈશા સંઘાર, આદમ આમદ ગાદ, રહીમ ઈબ્રાહીમ સંઘાર, ફારુક ઈબ્રાહિમ સંઘાર, અને ઈબ્રાહિમ ઉર્ફે કારો સંઘાર નામના આઠ શખ્સોએ એકસંપ કરી ફારુક, ફિરોઝ અને કાદર સહિતનાઓ ઉપર લોખંડના પાઇપ, ાકડ ધોકા, છરી અને તલવાર જેવા હથિયારો વડે આડેધડ હુમલો કરી ગાળો કાઢી હતી. જેથી ગાળો કાઢવાની ના પાડતા હુમલાખોરોએ ફિરોજ ગંઢાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ફિરોજ, કાદર છરેચા અને ફારુક અનવર ખોડ નામના ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ પી પી ઝા તથા સ્ટાફે હોસ્પિટલે દોડી ગયો હતો અને ઘવાયેલા ફારુકના નિવેદનના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.