દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા બુધવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમી એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા તથા ભરતભાઈ જમોડને મળતા મળતા ફરેરા સીમ વિસ્તારમાં મધ્યરાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સમયે આવેલા એક તળાવની બાજુમાં બેસી અને ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જેસા પરબત ચાવડા, બાબુ પબા ગોજીયા, શૈલેષ ઠાકરશી જેઠવા, રમણીક છગનભાઈ જગતિયા અને કારૂ દેવશી ગોજીયા નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 52,900 રોકડા તથા રૂપિયા 4,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 20,000 નું એક મોટરસાયકલ અને રૂપિયા 2000 ની કિંમતનો બેટરીવાળો દવા છાંટવાનો પંપ મળી કુલ રૂપિયા 79,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સ્થળે ત્રણ મહિલાઓ પણ જુગાર રમતી હોવાનું જાહેર થયું છે. આ દરોડા દરમ્યાન પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો લખુ મેર અને વિરમદળ ગામનો રામદે વજુ કરમુર નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર, મસરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા, ભરતભાઈ જમોડ, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, પુરીબેન સોરઠીયા, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.