Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઇડીને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર : સુપ્રિમ કોર્ટ

ઇડીને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર : સુપ્રિમ કોર્ટ

સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સી દ્વારા બંધ કરી દેવામાં આવેલા કેસને પણ ઈડી પોતાના હાથમાં લઈને તપાસ કરી શકે છે

- Advertisement -

ખબર-નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ઈડીના અધિકારો તથા પીએમએલએને પડકારતી અરજીઓ મામલે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે ઈડીને ધરપકડ કરવાનો અધિકાર છે. મની લોન્ડ્રિંગ એક સ્વતંત્ર ગુનો છે અને મની લોન્ડ્રિંગ એક્ટમાં કોઈ જ ખામી નથી.

- Advertisement -

ઈડી અને પીએમએલએ મામલે નોંધાયેલી 240 અરજીઓ અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે 2018ના વર્ષમાં મની લોન્ડ્રિંગ એક્ટમાં જે ફેરફાર કરવામાં આવ્યા હતા તે યોગ્ય જ છે. ઉપરાંત કોર્ટે એજન્સી દ્વારા કરવામાં આવતી ધરપકડ અને આરોપીઓની પુછપરછને પણ યોગ્ય ગણાવ્યા હતા.

અરજીકર્તાઓની અન્ય એક માગણી મામલે કોર્ટે જણાવ્યું કે, જો ઈડીએ કોઈ ફરિયાદ દાખલ કરી હોય તો આરોપીને તેની કોપી આપવી જરૂરી નથી. તે સિવાય સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સી દ્વારા બંધ કરી દેવામાં આવેલા કેસને પણ ઈડી પોતાના હાથમાં લઈને તપાસ કરી શકે છે. તે સિવાય કોર્ટે પીએમએલએમાં મની બિલ અંતર્ગત કરવામાં આવેલા ફેરફારનો સવાલ 7 જજની બેંચ સમક્ષ મોકલવાનો નિર્ણય લીધો છે. અરજીમાં ઈડી દ્વારા કરવામાં આવતી રેડ, ધરપકડના અધિકાર, સંપત્તિની જપ્તી તથા જામીનની આકરી શરતો અંગે વિચારણા કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જસ્ટિસ એ.એમ ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું કે, ઈડી દ્વારા કરવામાં આવતી ધરપકડ એ મનમાની નથી. ઉપરાંત ઈડી દ્વારા સંપત્તિ જપ્ત કરવામાં આવે છે તેને યોગ્ય ઠેરવતા કહ્યું કે, ખોટી રીતે પૈસા કમાનારા લોકો તેનો ઉપયોગ ન કરી શકે તે માટે ઈડી આવો અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટે જામીન માટેની 2 આકરી શરતોને પણ યથાવત રાખી છે. મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત આરોપીઓને 2 શરતો પર જામીન મળે છે. આ શરતો છે- કેસમાં દોષી ન હોવાના સમર્થનમાં કોઈ પુરાવો મળે અને એવો વિશ્વાસ અપાવવામાં આવે કે, બહાર નીકળ્યા બાદ આરોપી અન્ય કોઈ ગુનો નહીં કરે. કોર્ટે ઈડી દ્વારા નોંધાવવામાં આવતા એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ અંગે પણ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે જણાવ્યું કે, તે ઈડીનો આંતરિક દસ્તાવેજ છે અને તે આરોપીઓને સોંપવો જરૂરી નથી. કોર્ટે જણાવ્યું કે, પ્રાથમિક તબક્કામાં ઈડી માટે આરોપીને ધરપકડ માટેનો આધાર જણાવવો પૂરતો રહેશે.

- Advertisement -

કોંગ્રેસી નેતા કાર્તિ ચિદંબરમ સહિત અનેક લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ઈડીના અધિકારો તથા પીએમએલએમાં ફેરફારને પડકાર આપીને કહેવામાં આવ્યું હતું કે, તેના દ્વારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત જે કરારોનો હિસ્સો છે તેના અંતર્ગત આ કાર્યવાહી જરૂરી છે જેથી મની લોન્ડ્રિંગનો સામનો કરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular