કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ આજે ઇડી દ્વારા દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે સવારથી ઇડીના અધિકારીઓ નેશનલ હેરાલ્ડની કચેરીએ પહોંચી ગયા હતા. જયાં મની લોન્ડરીંગને લઇને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઇડીએ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં લાંબી પૂછપરછ કરી હતી. આ પહેલાં ઇડીએ આ મામલે રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી હતી. ઇડીની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં દેખાવો અને ધરણાં યોજવામાં આવ્યા હતા.
હાલ નેશનલ હેરાલ્ડ ઓફિસમાં દરોડાની કાર્યવાહી દરમ્યાન સિકયુરિટી ગાર્ડ સિવાય કોઇપણ વ્યકિત મોજુદ નથી. બીજી તરફ કોંગ્રેસના સાંસદ ઉતર રેડ્ડીએ ઇડીની આ કાર્યવાહીની રાજકીય બદલાની ભાવના અંતર્ગત ગણાવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર પર આરોપ છે કે, નેશનલ હેરાલ્ડ અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે નાણાંકિય કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લખેનિય છે કે, નેશનલ હેરાલ્ડ એક અખબાર હતું. જેને જવાહરલાલ નહેરૂએ પ00 સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને શરૂ કર્યું હતું. જેમાં બ્રિટિશ સરકાર અને તેના અત્યાચારો વિરૂધ્ધ લખવામાં આવતું હતું.