જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ ગામ નજીકથી પુરપાટ પસાર થતી ઇકો કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં પલ્ટી ખાઇ જતાં ચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતાં બકાભાઇ પુનાભાઇ ટોયટા (ઉ.વ.32) નામનો યુવાન સોમવારે સાંજના સમયે તેની જીજે10 ડીએન 6891 નંબરની ઇકો કાર લઇને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસેના રોડ પરથી પસાર થતો હતો ત્યારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતા ઇકો રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઇ જતાં અકસ્માતમાં ચાલક બકાભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે લીંબાભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ ડી. જે. ગાગિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ કરી હતી.


