સતત ત્રીજા વર્ષે પાણીથી લબાલબ રણમલ તળાવને જોઇને દરેક જામનગરીઓની આંખ ઠરે છે. પરંતુ પૂર્ણ કળાએ ખિલેલા ચંદ્રના દાગ ખટકે. તેમ તળાવના પાણીમાં પ્રસરેલી ગંદકી શહેરીજનોની આંખમાં ખટકી રહી છે. તળાવના પાછળના ભાગના પાણીમાં એકત્ર થયેલી સેવાળ સહિતની ગંદકી તળાવના સૌંદર્યને ઝાંખપ લગાવી રહી છે. જુના પાણીમાં રહેલી સેવાળ અને નવા વરસાદી પાણી સાથે તણાય આવેલો કચરો તળાવના પાછળના ભાગે એકત્ર થયો છે. જે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન ભાસી રહ્યો છે. આ કચરો તળાવની સુંદરતા હણવા સાથે પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યો છે. ચોમાસુ હવે લગભગ પૂર્ણતાના આરો છે. ત્યારે જામ્યુકોનાં સત્તાધિશો અને પર્યાવરણને પ્રેમ કરતી સંસ્થાઓએ એકાદ સફાય અભિયાન હાથ ધરી પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશનને તાજુ કરી લેવું જોઇએ. તેવું નથી લાગતું….