ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન વ્હેલુ થવાની આગાહી હવામાન વિભાગે અગાઉ જ કરી દીધી છે. ચોમાસાએ અપેક્ષા કરતાં પણ વધુ સ્પીડ પકડી લીધી હોય તેમ 27 મેને બદલે 25 મે સુધીમાં જ કેરળમાં ટકોરા મારી દેશે તેમ હવામાન વિભાગે નવા રિપોર્ટમાં જાહેર કર્યું છે.
હવામાન વિભાગનાં રિપોર્ટ પ્રમાણે વાતાવરણ ઘણું અનુકુળ છે. આવતા 48 કલાકમાં જ દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી તથા દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં પહોંચી જશે. ચોમાસને આગળ વધવા માટે સાનુકુળ પરિસ્થિતિ જ બનીરહે તેમ હોવાથી કેરળમાં 25મીમે સુધીમાં જ પહોંચી જવાની શક્યતા છે. અગાઉ હવામાન વિભાગે ચોમાસુ 27મીએ પહોંચવાની આગાહી કરી હતી. નૈઋત્ય ચોમાસુ સામાન્ય રીતે 22 મેએ આંદામાન પહોંચતું હોય છે તેના બદલે 16મી મેના રોજ જ પહોંચી ગયું હતું. તેના આધારે કેરળમાં પણ પ્રવેશ વ્હેલો થવાનું તારણ દર્શાવવામાં આવ્યું હતું. ઉતરીય તામીલનાડુમાં સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્ય મધ્યપ્રદેશથી અંતરિયાળ તામીલનાડુ સુધી ટ્રફ છે. ચોમાસાની વિધિવત શરુઆત સુધી કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા,તોફાની પવન અને ગાજવીજ સાથે પ્રિમોન્સૂન વરસાદ પડતો રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે મુંબઈમાં પણ વિકએન્ડથી જ પ્રિમોન્સૂન વરસાદ શરુ થઇ જવાની શક્યતા દર્શાવી છે.આજથી હવામાન બદલાવા લાગશે અને હળવા ઝાપટા પડશે. સોમવારથી વરસાદનું જોર થોડું વધશે.