દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકમાં પ્રાંત અધિકારી તરીકે છેલ્લા આશરે બે વર્ષથી ફરજ બજાવી રહેલા નીહાર ભેટારીયાને ગઈકાલે ગુરુવારે એસીબી પોલીસે હથિયાર પરવાના ઇસ્યુ કરવા માટે રૂા. ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.
આ પછી ઝડપાયેલા ક્લાસ વન અધિકારી નિહાર ભેટારીયાને જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત એસીબી કચેરી ખાતે લાવી આજરોજ સાંજે ખંભાળિયાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એસીબી દ્વારા વિવિધ મુદ્દે દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તમામ પાસાઓને ધ્યાને લઇ, નામદાર અદાલતે નાયબ કલેકટરની નિહાર ભેટારીયાના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. રિમાન્ડ અરજી રદ્ થતાં ઉપરોક્ત અધિકારીને જામનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ પ્રકરણની આગળની તપાસ મોરબી એસીબી એકમના પી.આઈ. પી.કે. ગઢવીને સોંપવામાં આવી છે.