દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે સવારે દસ વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ધીમીધારે સવા ઈંચ સુધી વરસાદ વરસાવી દીધો છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારે 10 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ 34 મીલીમીટર પાણી પડી ગયું હતું. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 58 ઈંચ 1442 મીલીમીટર થવા પામ્યો છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન 20 મીલીમીટર પાણી પડી ગયું હતું. જોકે આજે સવારથી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. દ્વારકાનો કુલ વરસાદ 30 ઈંચ (753 મીલીમીટર) થયો છે.
જ્યારે કલ્યાણપુર તાલુકામાં પણ 20 મીલીમીટર સાથે કુલ 686 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં પણ 22 મીલીમીટર સાથે 543 મીલીમીટર વરસાદ થયો છે. આજે સવારથી વાદળોની જમાવટ વચ્ચે હળવા છાંટા વરસ્યા હતા. પરંતુ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
ધીમીધારે વરસેલા આ વરસાદને ખેતરોમાં મોલ માટે અમૃત સમાન ગણવામાં આવી રહ્યો છે. સાથે સાથે નાના-મોટા જળ સ્ત્રોતોમાં પાણીની ધીમી આવક પણ શરૂ થઈ ગઈ છે.