રાજ્યભરમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારા બાદ માસ પબ્લીક ગેધરીંગની શક્યતાઓને અટકાવી સંક્રમણને ખાળવાના પગલારૂપ દર વર્ષે હોળી-ફુલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો દ્વારકા પગપાળા તેમજ રોડ રેલ માર્ગો આવતા હોય આ વખતે ભાવિકો માટે તંત્ર દ્વારા જગતમંદિરને બંધ રખાયા બાદ પણ આ વિસ્તારનું પ્રમુખ ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે ખ્યાતનામ બનેલા શિવરાજપુર બીચને લીધે પર્યટકોનો પ્રવાહ તહેવારોમાં યથાવત રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કોરોના મહામારીના સમયમાં લોકો ખુબ કંટાળ્યા હોય ત્યારે ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે શિવરાજપુરને પસંદ કરવામાં આવી રહ્યું હોય તેમ હોટેલ તેમજ ગેસ્ટહાઉસમાં બુકીંગ અત્યારથી જ શરૂ થઈ ગયા છે. અને દિનપ્રતિદિન બુકીંગમાં વધારો જોવા મળી રહ્યો હોય હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં પણ ધંધા રોજગારથી નવી આશાનો સંચાર જોવા મળી રહ્યો છે.
શિવરાજપુર બીચના સતત અને અવિરત વિકાસ તેમજ સરકાર દ્વારા બીચ વિકાસની સાથે સાથે વૈશ્ર્વિક સ્તરની માળખાગત સુવિધાઓમાં ઉત્તરોતર વધારો જોતા ધાર્મિક સ્થળો બંધ રહેવા છતા શિવરાજપુર બીચને લીધે બુકીંગમાં નોંધપાત્ર વધારો જોતા આગામી સમયમાં શિવરાજપુર બીચના લીધે ઓખામંડળના ટુરીઝમ ઉદ્યોગને વેગ મળશે તેવો આશાવાદ અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે.