ખંભાળિયામાં રહેતા એક પ્રૌઢે આર્થિક સંકળામણના કારણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા ભરતભાઈ જાદવભાઈ પાણખાણીયા નામના આશરે 61 વર્ષિય પ્રૌઢે સવજીભાઈ નામના તેમના મિત્રને હાથ ઉછીની રોકડ રકમ આપી હતી. લાંબા સમયથી ભરતભાઈ દ્વારા તેમના મિત્ર પાસે પૈસાની ઉઘરાણી કરવા છતાં તેની પાસે પૈસા આવવાની શક્યતા ન જણાતા આ પરિસ્થિતિમાં અસ્વસ્થ બની ગયેલા ભરતભાઈ પાણખાણીયાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર સંદીપભાઈ ભરતભાઈ પાણખાણીયાએ અહીંની પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. જેથી પોલીસે ધોરણસર તપાસ હાથ ધરી છે.