જામનગર જિલ્લાના મોટી ખાવડી રિલાયન્સમાંથી ડીઝલ ભરેલ ટેન્કર માંડવી તાલુકાના તાડકેશ્વર ખાતેની કંપનીમાં ખાલી કરવા જતાં સમયે ટેન્કરમાંથી બે લાખની કિંમતનું ડીઝલ ચોરી કર્યાના બનાવમાં પોલીસે ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી કોટક કોર્પોરેશન દ્વારા રિલાયન્સથી તેના જીજે10 વી 7377 નંબરના ટેન્કરમાં 24 હજાર લીટર ડીઝલનો જથ્થો સુરત જિલ્લાના માંડવી તાલુકાના તાડકેશ્વર ખાતે આવેલી દુર્ગા ઇન્ફ્રા માઇનિંગ પ્રાઇવેટ કંપનીના પ્લાન્ટમાં ખાલી કરવા માટે ચાલક દેવશી માલદે કરમટાને મોકલ્યો હતો. દરમ્યાન ગત્ તા. 17ના રોજ ટેન્કરચાલક દેવશીએ રસ્તામાંથી તેના ટેન્કરમાંથી રૂા. 2,08,202ની કિંમતનું 2309 લીટર ડીઝલ કાઢીને ચોરી કરી હતી. આ અંગે કોટક કોર્પોરેશનના કર્મચારી મોહસિનભાઇ બલોચ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


