દ્વારકાથી 20 કિ.મી. દુર મીઠાપુર નજીક ભીમરાણા ગામના પુલ પાસે બપોરના સમયે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈઝા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકાથી 20 કિ.મી. દૂર મીઠાપુર નજીક ભીમરાણા પુલ પાસે મંગળવારે બપોરના સમયે પસાર થતી કારને સામેથી પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા જીજે-37-ટી-9899 નંબરના ટ્રકે ઠોકર મારતા કારનો આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં કારચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં બેસેલા અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.