જોડિયા તાલુકાના તારાણા ગામથી માધાપર જવાના માર્ગ પરથી પસાર થતી ઈકો કારને આંતરીને સ્થાનિક પોલીસે તલાસી લેતા તેમાંથી 74 બોટલ દારૂ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના હરિયા સ્કૂલ પાસેથી પસાર થતી અલ્ટો કારની તલાસી લેતા તેમાંથી 51 બોટલ દારૂ મળી આવતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે શખ્સને દબોચી લીધો હતો. જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસેથી પોલીસે ચાર બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયા તાલુકાના તારાણા ગામમાંથી માધાપર ગામ તરફ જવાના માર્ગ પરથી દારૂનો જથ્થો કારમાં પસાર થવાની મળેલી બાતમીના આાધારે જોડિયા પોલીસે વોચ ગોઠવી પસાર થતી જીજે-05-જેડી-3246 નંબરની કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.30,340 ની કિંમતની 74 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે રાધુ રતુ દેવરકીયા નામના મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન અને કાર તથા દારૂનો જથ્થો મળી કુલ રૂા.2,05,340 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.
જામનગર શહેરના હરિયા સ્કૂલ પાસે કારમાં દારૂનો જથ્થો પસાર થવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જીજે-15-પીપી-1052 નંબરની કાર પસાર થતા આંતરીને તલાસી લીધી હતી. પોલીસની તલાસી દરમિયાન કારમાંથી રૂા.25500 ની 51 બોટલ મળી આવતા પોલીસે દારૂ-કાર મળી કુલ રૂા.125500 નો મુદ્દામાલ સાથે પરબત રાજા કછેટિયા નામના શખ્સને ઝડપી લઇ દારૂનો જથ્થો કોની પાસેથી ખરીદ્યો ? તે અંગેની પૂછપરછ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસેથી પસાર થતા જયેન્દ્રસિંહ ઉર્ફે કપુડો ગુમાનસિંહ ચુડાસમા નામના શખ્સને સીક્કા પોલીસે આંતરી તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા.7000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.