તાજેતરમાં તા. 25 જૂલાઇના રોજ ન્યુદિલ્હીની એઇમ્સ હોસ્પિટલના જીમખાના ખાતે રમત-ગમતની પ્રવૃત્તિઓને વેગ આપવાના ભાગરુપે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટના નેજા હેઠળ સમગ્ર હોસ્પિટલોના એનેસ્થેસિયા બ્રાંચના ડોકટરો વચ્ચે ઇન્ડોર તથા આઉટડોર ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ તથા ચેસ જેવી અનેક રમતો આંતર હોસ્પિટલ વચ્ચે રમાડવામાં આવી હતી. આ રમતોમાં જામનગરના એનેસ્થેટિસ્ટ ડો. ભક્તિ રુપારેલીયાએ ટેબલ ટેનિસ તથા બેડમિન્ટન એમ 2-રમતોમાં ભાગ લીધો હતો. જેમાં ટેબલ ટેનિસના ત્રણેય રાઉન્ડમાં જીત મેળવી ફાઇનલ રાઉન્ડમાં મૌલાના આઝાદ હોસ્પિટલના એનેસ્થેટીસ્ટ ડો. શીખાને 11/7ના સ્કોર સાથે મહાત આપી પ્રથમ વિજેતા તરીકે ઘોષિ થયા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ડો. ભક્તિ નાનપણથી જ અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ જેવી કે ગીત-સંગીત, નૃત્ય તેમજ ખેલકૂદની ઇન્ડોર તથા આઉટડોર ગેમ્સમાં ભાગ લઇને પોતાની અન્ય પ્રવૃત્તિઓની રુચિને પણ પ્રાધાન્ય આપતા રહ્યા હતાં. હાલ તેઓ ન્યુદિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે એનેસ્થેટિસ્ટ તરીકે મહેનત તથા લગનથી ફરજ બજાવી રહ્યાં છે. તેમના પતિ ડો. જીગીશ રૂપારેલીયા પણ ન્યુરો સર્જન તરીકે દિલ્હીની પ્રખ્યાત એઇમ્સ હોસ્પિટલ ખાતે કાર્યરત છે.
મેડિકલ ક્ષેત્રમાં એનેસ્થેસીયા જેવા જટીલ વિષયના એનેસ્થેટીસ્ટ ડો. ભક્તિ તેમના કાર્યક્ષેત્ર ઉપરાંત અન્ય પ્રવૃત્તિમાં પણ ભાગ લઇ ટેબલ ટેનિસ ખેલમાં ગોલ્ડ મેડલ મેળવતા તેમના સગા-સંબંધીઓ, ડોકટર-મિત્રો વગેરેમાં આનંદની લાગણી પ્રસરી છે અને તેમને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. ભક્તિ જામનગરના સુશિક્ષીત તથા પ્રતિષ્ઠિત કૃતમાલા-ડો. એ.ડી. રૂપારેલીયા પરિવારની પુત્રવધુ તેમજ રાજકોટના નામાંકિત ડો. પ્રકાશભાઇ રાજાણીની પુત્રી થાય છે.