હાલ કોરોના વાઇરસની રસી લેવા માટે ચોક્કસ નક્કી કરેલા કેન્દ્ર પર જવુ પડે છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી જેમાં માગણી કરવામાં આવી હતી કે ઘરે ઘરે જઇને જરૂરિયાતમંદ લોકોને રસી આપવાનો કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ માગણીનો સ્વિકાર કરવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે હાલ રસીકરણ બરાબર ચાલી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપણા દેશની સ્થિતિ અન્ય દેશો કરતા અલગ છે. અહીં ગ્રામીણ અને શહેરી સ્થિતિ અલગ-અલગ છે. કાશ્મીરની સ્થિતિ પશ્ર્ચિમ બંગાળથી અલગ છે. એવામાં ઘરે-ઘરે જઇને રસી આપવી આ પરિસ્થિતિમાં શક્ય નથી. સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે હાલ રસીકરણ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે માટે આવા કોઇ આદેશ આપવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટમાં આ અરજી વકીલોના સંગઠન યુથ બાર અસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં માગણી કરવામાં આવી હતી કે જે લોકો દિવ્યાંગ છે અથવા નબળા વર્ગના છે. તેમને રસી લેવા માટે કેન્દ્ર પર જવામાં મુશ્કેલી આવી રહી છે. એવામાં તેમને જો ઘરે જ રસી મળી જાય તો તેમની આ સમસ્યા દુર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે સમગ્ર દેશમાં ઘરે ઘરે જઇને રસી આપવાનો આદેશ અપાય તેવી માગ કરી રહ્યા છો, જ્યારે હાલની સ્થિતિ મુજબ 60 ટકા વસતીને રસી આપી દેવાઇ છે. અને રસીકરણ યોગ્ય દિશામાં જઇ રહ્યું છે. તેથી આવો કોઇ આદેશ ન આપી શકાય. સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અરજી થઇ હતી તેમાં માગણી કરાઇ હતી કે કોરોનાને કારણે થયેલા મોતને બેદરકારીથી થયેલા મોત ગણવામાં આવે અને સાથે જ જે પણ કોરોના પીડિતો છે તેમના પરિવારને સહાય આપવા સરકારને આદેશ આપવામાં આવે.