જામનગરમાં ડોર-ટુ-ડોર કચરાના કોન્ટ્રાકટર કંપની સામે કામદારો ગઇકાલથી હડતાલ ઉપર ઉતરી જતાં ઘેર-ઘેર કચરા પડયા રહેતા શહેરમાં નાગરિકોને મુશ્કેલી સર્જાઇ હતી. આ અંગે અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ દ્વારા કામદારોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી પાવર લાઇન કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોય તેમજ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ આવતું ન હોય, ગઇકાલે ડોર-ટુ-ડોર કચરાના કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા હતાં. કામદારો હડતાલ ઉપર ઉતરી જતાં ઘરે-ઘરેથી કચરો એકત્ર ન થતાં નાગરિકોમાં દેકારો બોલી ગયો હતો. આ અંગે અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસના પ્રમુખ હરિશ ચૌહાણ દ્વારા કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા પાવર લાઇન કંપનીની આપવામાં આવેલ કોન્ટ્રાકટમાં કંપનીના અધિકારીઓ દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવે છે. કામદારોના પ્રશ્ર્નો પ્રત્યે અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની માનવતાં દાખવવામાં આવતી નથી. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ મોટાભાગે ભ્રષ્ટાચારમાં સામેલ છે અને કામદારોનું શોષણ થઇ રહ્યું છે. આથી આ અંગે વ્હેલી તકે નિરાકરણ લાવવા માગણી કરાઇ છે. કામદારો દ્વારા લાલબંગલા સર્કલમાં દેખાવો કરી વિરોધ પ્રદર્શન કયુર્ં હતું.