Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગભરાશો નહીં, 77,000 લોકો સાજા થયાં

ગભરાશો નહીં, 77,000 લોકો સાજા થયાં

કોરોનાની મહામારી ગંભીર અને ભયાવહ જરૂર છે, પરંતુ જવાબદારી અને સાવચેતીથી આ મહામારીને મ્હાત કરી શકાય છે : જામનગરમાં ગઇકાલે 221 નવા કેસ સામે 144 દર્દીઓ સાજા પણ થયાં : રાજયમાં 2,280 દર્દીઓ સાજા થયાં

- Advertisement -

જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટીવ કેસની સંખ્યા 1 લાખથી વધુ નોંધાઇ રહી છે. ત્યારે શુક્રવારે દેશમાં સંક્રમિત થયેલાં દર્દીઓ પૈકી 77,000થી વધુ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે. કોરોનાના બિહામણા આંકડાઓ આપીને અમારો આશય લોકોને ડરાવવાનો નથી પરંતુ આ વૈશ્ર્વિક અને હઠીલી મહામારી સામે લોકો જાગૃત અને સાવચેત બને તે માટેનો છે. પરંતુ મહામારીની વ્યાપકતા સામે કેટલીક પોઝિટીવ અને લોકોને રાહત આપનારી બાબતો પાછળ ધકેલાઇ જાય છે. આજે અત્રે અમે અહીં કોરોના સંબંધિત પોઝિટીવ આંકડાઓ દર્શાવી લોકોને હિંમત આપવાનો પ્રયાસ કર્યો છે.મહામારી સામે ગભરાવવાની નહીં પરંતુ યોગ્ય તકેદારી અને સાવચેતી રાખવાની જરૂર છે. સમગ્ર દેશમાં શુક્રવારે 1.44 લાખથી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે એકટીવ કેસનો આંકડો પણ 10 લાખને પાર કરી ગયો છે. આ આંકડાઓ કોરોના સંક્રમણની ગંભીરતા સૂચવી રહયા છે. જે સામે ગઇકાલે દેશમાં કુલ 77,199 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો રોજેરોજ નવી ઉંચાઇ તરફ જઇ રહયો છે. ગઇકાલે રાજયમાં રેકોર્ડબ્રેક 4,541 પોઝિટીવ કેસ નોંધાયા હતા જે સામે 2,280 દર્દીઓ સાજા પણ થયા હતા. જામનગરની વાત કરીએ તો જામનગર શહેરમાં ગઇકાલે નવા 123 કેસ નોંધાયા હતા. જે સામે 54 દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. તેવી જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 98 નવા કેસ નોંધાયા હતા. જે સામે 90 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. આમ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક અને ડરામણું જરૂર છે. પરંતુ સમજદારીપૂર્વક આ મહામારીનો આપણે સામનો કરવાનો છે. ટાંચા સંશાધનોને કારણે અનેક જગ્યાએ સરકારી વ્યવસ્થાઓ પડી ભાંગી છે. પરંતુ નાગરિકોની પણ ફરજ બને છે કે, આ મુશ્કેલ સમયમાં કોરોના ગાઇડલાઇન અને નિયમોનું ચુસ્તપણે પાલન કરીને આપણે સરકારના પ્રયાસોને સહકાર આપવો જોઇએ. જયાં પણ ભૂલ કે ક્ષતિ હોય ત્યાં સરકારનો કાન આમળવાનો ચોકકસ પ્રયાસ કરવો જોઇએ અને અમે અમારો અખબારી ધર્મ બજાવીને આ પ્રયાસ કરતાં રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular