બેટ દ્વારકાના દરિયામાં હાલ બોટ મારફતે સહેલાણીઓને ડોલ્ફીન દર્શન કરાવવામાં આવી રહયા છે. જો કે હવે સરકારના નવા ટુરીઝમ સ્પોટ તરીકે દ્વારકાના દરીયામાં ડોલ્ફીન ક્રુઝનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રુઝ શીપમાં દરીયાઈ સફરની સાથે સાથે ડોલ્ફીન નિહાળવાનો લુત્ફ ઉઠાવવો ખૂબ રોમાંચક સફર હોય, સહેલાણીઓને આકર્ષવા દ્વારકાના દરિયામાં ડોલ્ફીન ક્રુઝનું આયોજન કરવામાં આવ્યું છે. જો આમ થશે તો દર વર્ષે કરોડો દર્શનાર્થી તથા સહેલાણીઓની મુલાકાત વાળા દ્વારકા પંથકમાં ટુરિઝમ ઉદ્યોગને નોંધપાત્ર બુસ્ટઅપ મળશે અને અનેકગણા યાત્રીકોના વધારા સાથે દ્વારકા પંથક માત્ર ગુજરાતનું જ નહિં પણ દેશના પશ્ર્ચિમ છેવાડાનું ટુરિઝમ હબ બની જાય તો નવાઈ નહિં.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવા માલદીવની જેમ ફલોટીંગ વીલા પ્રોજેકટ પણ લાવવામાં આવનાર છે.
ગુજરાત સરકાર દ્વારા એક દાયકા જેટલા સમયથી ટુરિઝમ ઉદ્યોગને સતત વેગવાન બનાવવામાં આવી રહયો છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આ વર્ષમાં ત્રણ નવા ટુરિઝમ સ્પોટ બનશે. યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર સહિતના તીર્થ સ્થળો ધરાવતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેતાં ભાવિકોની સાથોસાથ ટુરિઝમને પણ વેગ આપવા શિવરાજપુર બીચમાં છેલ્લાં દાયકામાં અવિરત વિકાસ કાર્યોને લીધે રાજ્યનું પ્રથમ હરોળનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. સરકાર દ્વારા શિવરાજપુર બીચને સંલગ્ન નવા ટુરિઝમ સ્પોટ – એક્વેરિયમ બનાવવામાં આવશે. એક્વેરિયમ બન્યા બાદ શિવરાજપુર બીચ ખાતે વિવિધ પ્રકારની મોજ માણવાની સાથે સહેલાણીઓ દરીયાઈ જીવસૃષ્ટિને ખુબ જ નજીકથી નિહાળી શકશે. જેના કારણે પણ સમગ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ જ વેગ મળશે.