ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ નવી પોલિસી અમલમાં લાવવા જઈ રહ્યો છે. આ પોલિસી અંતર્ગત હવે ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે નાણાંની ચુકવણી કરવી પડશે.
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્ત્વનો નિર્ણય કરવા જઈ રહ્યું છે, જેમાં હવે હયાત બોરવેલ માટે પણ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું ફરજિયાત બની જશે. આ ઉપરાંત બોરવેલ બનાવવા માટે ચાર્જ પણ ભરવો પડશે. આમ, હવે નવા બોરવેલ બનાવવા માટે મંજૂરી લેવાની સાથે સાથે નાણાકીય બોજ પણ ઝીલવો પડશે.
જમીનમાં જળ સ્તર જે રીતે ઊંડા જઈ રહ્યા છે ત્યારે હવે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે નાણાકીય ચુકવણી કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે રૂપિયા 10 હજારની રકમ પણ નક્કી કરવામાં આવી છે.
ભૂગર્ભ જળ એ સિંચાઈ માટેનો મહત્ત્વનો સ્ત્રોત છે. ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, દેશમાં એવું આયોજન નથી કે દરેક સ્થળે કેનાલ હોય કે નદી વહેતી હોય, જેથી પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે. સિંચાઈ માટે જે લોકો કૂવો ખોદતા હોય, બોર બનાવતા હોય તે લોકો માટે, એટલે કે કૃષિ સિંચાઈક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવી છે.
તમામ રાજ્યનાં રહેણાક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત, માઈનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પૂલ માટે તેમજ પીવા તથા ઘરેલુ વપરાશમાં લેનારા સહિત તમામ ભગર્ભ જળ વપરાશ કરનારાઓ માટે આ પોલિસી અમલી બનશે. આ યોજનામાં અરજી કરવાની મુદત 30 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે.