Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં દિપોત્સવી પર્વની ચમક દેખાઈ : બજારોમાં રોશનીની ઝાકમઝોળ

ખંભાળિયામાં દિપોત્સવી પર્વની ચમક દેખાઈ : બજારોમાં રોશનીની ઝાકમઝોળ

વિવિધ વેપારીઓને ઘરાકી નીકળી

- Advertisement -
હિન્દુઓના મહાપર્વ એવા દિવાળીના દિવસોનો આજથી મંગલ પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારો તેમજ બજારોમાં ઘરાકીનો કરંટ જોવા મળ્યો હતો.
ઉમંગ, ઉત્સાહ અને રોશનીના પર્વ એવા દિવાળીને અનુલક્ષીને શહેરમાં વિવિધ ધંધાર્થીઓ ગ્રાહકોને આકર્ષવા તેમજ વેપાર ધંધા માટે સજ્જ થઈ ગયા છે. અહીંની મેઈન બજાર, ઝવેરી બજાર, સતવારાના ચોરા, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, ચાર રસ્તા વિગેરે વિસ્તારોમાં ધીમે ધીમે ગ્રાહકોની અવરજવર વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને કપડા, મોબાઈલ, જ્વેલર્સ, ઇલેક્ટ્રોનિક, મીઠાઈ – ફરસાણ, ગૃહ સુશોભનની દુકાનોમાં ગ્રાહકો ખરીદી માટે જોવા મળી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પૂર્વેના અંતિમ ત્રણ-ચાર દિવસે વિવિધ ધંધાર્થીઓને ઘરાકી નીકળે તેવા અણસાર જોવા મળે છે. ખાસ કરીને શહેરના તમામ વિસ્તારોમાં ફટાકડાના અનેક સ્ટોલ ઊભા થયા છે, જેમાં પણ હાલ ધીમી ઘરાકી શરૂ થઈ ગઈ છે. જેમાં છેલ્લા બે દિવસ પુરબહારમાં ફટાકડા શોખીનો ખરીદી કરશે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ફટાકડામાં નોંધપાત્ર તેજી સાથે ગ્રાહકોની પણ ખરીદી નીકળી છે અને હાલ ફટાકડાના વેપાર માટે તમામ પરિબળો સાનુકૂળ હોવાનો પ્રતિભાવ જુના અને જાણીતા વેપારી ભીખાભાઈ ફટાકડાવાળા તેમજ મિતરાજસિંહ રવિરાજસિંહ જાડેજા અને મનન કારીયાએ આપ્યો હતો.
શહેરના વેપારીઓ, દુકાનદારોએ પોતાના ધંધાકીય એકમોને આકર્ષક રોશની તથા ડેકોરેશનથી સુશોભિત કર્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદી, મોંઘવારીની બુમરાણ વચ્ચે લોકો આ બાબતને ભૂલીને વિવિધ પ્રકારની ખરીદીને પ્રાધાન્ય આપે છે. હાલ લોકોમાં ઓનલાઈન સામે જાગૃતિ તેમજ સ્થાનિક વેપારીઓને પણ લાભ આપવાની નૈતિકતા સાથે શહેરમાં ખરીદી કરે તેવો માહોલ જોવા મળ્યો છે.
જમીન-મકાનના વ્યવસાયમાં મંદીના કહેવાતા દેકારા વચ્ચે પણ કરોડો રૂપિયાના સોદાઓ થઈ રહ્યા છે. ત્યારે ખંભાળિયા શહેર તથા આસપાસના લોકો દિવાળીના આ પર્વને મનભરીને માણે તેવું પણ દેખાઈ રહ્યું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular