ભારતીય ન્યાયતંત્રનો મૂળ મંત્ર છે કે એકપણ નિર્દોષને અન્યાય નહીં અને આ મૂળ મંત્રને સાર્થક કરતું કામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરે કર્યું છે. સામાન્ય રીતે કોર્ટ કેસ થતા લોકો માટે વકીલોની ફી, તારીખો પર થતા ખર્ચ વગેરે બાબતો ખૂબ કપરી સાબિત થતી હોય છે. જેના કારણે આર્થિક ભીડની સ્થિતિ પણ ઉભી થતી હોય છે. પરંતુ દરેક કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગરીબ માણસને પણ ન્યાય મળી રહે તે માટે વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે.
જામનગરના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮માં વિપુલ ગગજીભાઈ કાલડીયા વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એકટની કલમ ૧૨ મુજબ સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયા અંગેની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી હતી.આ ફરિયાદ બાદ આરોપી વિપુલ કાલડિયા અંદાજે સવા વર્ષ બાદ ફરિયાદીની સગીર પુત્રી સાથે જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા આરોપીને પોકસો તથા બળાત્કારના ગુના હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આરોપી વિપુલ કાયદાથી અજાણ હોવાથી સગીરા અને આરોપીએ સંમતિથી લીધેલ પગલાં છતાં આરોપીની ધરપકડ થતાં વિપુલને જેલમાંથી છોડાવવા માટે તેના પિતાએ અનેકવાર ખાનગી વકીલોનો સંપર્ક કર્યો, પરંતુ આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે ખાનગી વકીલની ફી પરવડી શકે તેમ ન હતી. આ સમયે કાલડીયા પરિવારને લીગલ એઈડ ક્લિનિક, જિલ્લા જેલ, જામનગર મુકામે રિટેનર એડવોકેટ મારફત મફત કાનૂની સહાયની માહિતી મળી હતી.
આરોપીએ જિલ્લા જેલ, જામનગર મુકામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા સંચાલિત લીગલ એઈડ ક્લિનિક દ્વારા રીટેનર વકીલનો મફત કાનૂની સહાય માટે સંપર્ક કર્યો હતો. જેના અનુસંધાને આરોપીને આ ગુનામાંથી મુક્ત થવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જામનગર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એફ.આઈ.આર કવોશિંગ એટલે કે ફરિયાદ રદ કરવા તથા જામીન મુક્ત થવા આરોપીની જામીન અરજી માટે મફત કાનૂની સહાય આપવામાં આવી હતી.
આ કેસમાં આરોપીને તથા ફરિયાદીને હાઇકોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ મોડથી સુનાવણીમાં હાજર રાખવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૦૭/૦૨/૨૦૨૨ના રોજ ગુન્હાની એફ.આઇ.આર રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરી ગુનામાંથી છોડી મૂકવાનો હુકમ થતાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના રિટેનર વકીલ દ્વારા આરોપીને જેલ મુક્ત કરાવવાની કાર્યવાહી કરી તા.૧૧/૦૨/૨૦૨૨૨ના રોજ આરોપીને જેલ મુક્ત કરાવવામાં આવ્યો હતો.
આરોપી વિપુલના પિતાની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય હતી ત્યારે સંપૂર્ણ કાર્યવાહી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર, તાલુકા કાનૂની સેવા સમિતિ તથા ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વીસીઝ કમિટી, અમદાવાદ દ્વારા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી.
આમ, દરિદ્રનારાયણને પણ વિનામૂલ્યે ન્યાય મળી રહે કોઈ પણ ભેદભાવ વગર સર્વેને નિષ્પક્ષ, સચોટ ન્યાય મળે તે માટે ભારતીય ન્યાયતંત્રની ગુજરાત રાજ્યમાં સ્થાપિત તમામ કાનૂની સેવા સત્તા મંડળની સેવાઓ ભારતીય ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધારી રહી છે. ગરીબ-અમીરના ભેદભાવ વગર એક પણ નિર્દોષને અન્યાય ન થાય તેવી ભાવનાને કાનૂની સેવા સત્તા મંડળ લોક ઉજાગર કરે છે જેનું આ ઘટના શ્રેષ્ઠ ઉદાહરણ છે.