ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક પરણીતાએ થોડા દિવસો પૂર્વે આપઘાત કરી લીધાના બનાવ બાદ ગઈકાલે ગુરુવારે તેમના પતિએ પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.
આ કરૂણ બનાવની વિગત એવી છે કે ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અને ટાટા કંપનીમાં વોટર સપ્લાયમાં કોન્ટ્રાક્ટરમાં નોકરી કરતા જયેશભાઈ રવજીભાઈ ભરડવા નામના 30 વર્ષના પ્રજાપતિ યુવાનના લગ્ન આજથી આશરે ત્રણેક માસ પૂર્વે થયા હતા. તેમના પત્નીને લગ્ન પૂર્વે ગાઝીયાબાદ – દિલ્હીના રાજીવ ઉર્ફ વિકી સક્સેના સાથે વ્યવહાર હોય, અને તેમના ફોટા વિડિયો વિગેરે રાજીવ ઉર્ફે વીકી પાસે હોય, તેના દ્વારા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાતા સમાજમાં થયેલી બદનામીથી કંટાળીને તેણીએ ગત તારીખ 13 ના રોજ આપઘાત કરી લીધો હતો. જે અંગેની ફરિયાદ મૃતક યુવતીના પતિ જયેશભાઈ ભરડવા દ્વારા પોતાના પત્નીને મરી જવા માટે મજબૂર કરવા સબબ ગાઝીયાબાદના વિકી સક્સેના સામે મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવી હતી.
જેને અનુલક્ષીને પોલીસે રાજીવ ઉર્ફે વીકી સક્સેનાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ વચ્ચે ગુરુવારે સવારે આશરે પાંચથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન જયેશભાઈ ભરડવાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બનતા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પત્નીના આપઘાત બાદ વ્યથિત હાલતમાં પતિએ પણ આ માર્ગ અપનાવી, અને જિંદગી ટૂંકાવી લીધાના આ બનાવે પ્રજાપતિ કુંભાર સમાજ સાથે ઓખા મંડળમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.