ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આંદોલનકારી ખેડૂતો પર કાર ચઢાવી દેવાના કેસમાં યુપી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ સામે સુપ્રીમકોર્ટે ગંભીર સવાલો રજૂ કર્યા છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે યુપી સરકારની તપાસ સામે અંસતોષ વ્યક્ત કર્યો હતો.
બેન્ચે જણાવ્યું હતું કે અમને એ કહેતા અફસોસ છે કે બે અલગ અલગ કેસની એફઆઇઆરને ઓવરલેપ કરીને એક આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમકોર્ટે ઓવરલેપ કરાયેલી બે જુદી-જુદી એફઆઇઆરમાં અલગ અલગ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે આ કેસની તપાસનું નિરીક્ષણ નિવૃત્ત હાઇકોર્ટ જજને સોંપવા જણાવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી હવે 12 નવેમ્બરે થશે.
બે વકીલોએ લખીમપુર હિંસામાં 8 લોકોના મોત મુદ્દે ચીફ જસ્ટિસને પત્ર લખીને સુઓ મોટો સંજ્ઞાન લેવા તથા કેસની તપાસ સીબીઆઇને સોંપવા અપીલ કરી હતી. ઉપરોક્ત કેસમાં અગાઉ પણ કોર્ટે યુપી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા બે સ્ટેટસ રિપોર્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગત સુનાવણી 26 ઓક્ટોબરે થઈ હતી. ત્યારે કોર્ટે ફરી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમકોર્ટમાં હાજર યુપી સરકારના વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે તેમણે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરી દીધો છે. ચીફ જસ્ટિસ રમન્નાએ આ રિપોર્ટ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ રિપોર્ટમાં કશું જ નવું નથી. અમે જેવી અપેક્ષા રાખતા હતા એવું રિપોર્ટમાં કશું જ નથી. અમે તમને 10 દિવસનો સમય આપ્યો હતો છતાં હજુ લેબનો રિપોર્ટ આવ્યો નથી.
ખેડૂતોને કાર ચડાવી ચગદી નાંખવાના કેસની તપાસથી સુપ્રિમ કોર્ટને અસંતોષ
યોગી સરકારે આપેલાં બે સ્ટેટસ રિપોર્ટમાં પણ કશું નવું નથી : અદાલત