આગામી 26 ઓગષ્ટથી જામનગરને બેગલુરૂ અને હૈદ્રાબાદની સીધી ફલાઇટ મળવા જઇ રહી છે. સ્ટારએર સપ્તાહમાં ત્રણ દિવસ આ ફલાઇટ ચલાવશે. હવાઇ મુસાફરી કરતાં જામનગરના લોકો માટે આ સ્વાંતત્ર્ય પર્વની ભેટ સમાન હશે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટારએર દ્વારા 26 ઓગષ્ટથી જામનગરને બેગલુરૂ અને હૈદ્રાબાદ સાથે જોડતી સીધી હવાઇ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ફલાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળ-ગુરૂ અને શનિવારે ઓપરેટ થશે. જેનું ટાઇમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે અનુસાર જામનગર-બેગલુરુની ફલાઇટ સવારે 6.35 કલાકે બેગલુરુથી ઉડીને 8.50 કલાકે જામનગર પહોંચશે. તેજ ફલાઇટ જામનગરથી 9-15 કલાકે ઉડીને 11-30 કલાકે હૈદ્રાબાદ પહોંચશે. જયારે હૈદ્રાબાદથી બપોરે 15-15 કલાકે ઉડીને 17-20 કલાકે જામનગર પહોંચશે.
જયારે ફરીથી જામનગરથી 17-45 કલાકે ઉડીને 20 કલાકે બેગલુરુ પહોંચશે. આમ એક જ દિવસમાં જામનગરના હવાઇ મુસાફરોને બે મોટા શહેરોમાં આવા ગમન કરવાની સુવિધા પ્રાપ્ત થશે. સ્ટાર એર દ્વારા જાહેર કરાયા અનુસાર આ ફલાઇટનું પ્રાથમિક ભાડું રૂપિયા 3,699 નિર્ધારિત કરવામાં આવ્યું છે. આમ સ્ટારએરની આ ફલાઇટ જામનગરના હવાઇ મુસાફરી કરનારા લોકો માટે સ્વાતંત્ર્ય પર્વની ભેટસમાન બની રહેશે.