ખંભાળિયા નજીક નિર્માણ પામેલા ભવ્ય એવા કામઈ ધામ ખાતે અનેકવિધ ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતીમાં મહા આરતી તથા સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા સ્થાનિક લોકો હોંશભેર જોડાયા હતા.
ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર ખજુરીયા તથા પીપળીયા ગામ પાસે 300 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા પૂજ્ય કામઈ માતાજીના મંદિર ખાતે આશરે 21 હજાર જેટલા વૃક્ષોના વનનું નિર્માણ આસ્થા સાથે ધર્મપ્રેમી લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે.
આ સ્થળે સમરસ, સમર્પણ અને વંદનાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે પૂજન બાદ સાંજે છડી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અહીં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રસંગે વિવિધ જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો દ્વારા સન્માન તથા આ મંદિર યોગદાન માટે જેનું ઐતિહાસીક મહત્વ જણાવાયું છે, તે વારસાખીયા પરિવારના લોકોને પણ જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
કામઈ ધામ ખાતે ગઈકાલે સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 હજાર દીવડાઓ સાથે બાળાઓ, મહિલાઓ તથા ભૂદેવો દ્વારા કરવામાં આવેલી માતાજીની સ્તુતિ વિશ્વવિક્રમરૂપ બની રહી હતી. જેના દર્શનનો લ્હાવો લઇ, લોકો અભિભૂત થયા હતા.
આ સાથે આ સ્થળે રાત્રે યોજવામાં આવેલા લોક ડાયરામાં કામઈ ધામ ખાતે વિશ્વ વિખ્યાત કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી, ધીરુભાઈ સરવૈયા, જીગ્નેશભાઈ બારોટ, સહિતના કલાકારો તથા સાજીંદાઓ દ્વારા આ લોકડાયરામાં ભજન, ધૂન તથા કલાની રમઝટ બોલાવવામાં આવી હતી.
જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના સમગ્ર ધાર્મીક કાર્યક્રમો માટે આગેવાન મયુરભાઈ રામભાઈ ગઢવીના વડપણ હેઠળ કામઈ ધામ સેવા સંસ્થા તેમજ સમસ્ત ચારણ/ગઢવી સમાજના આગેવાનો- કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સાધુ-સંતો કાર્યકરો, તથા ધર્મપ્રેમી જનતા જોડાયા હતા.