જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી આરોપીના નાસી જવાના પ્રકરણમાં તપાસનીશ એએસઆઇ સામે ફરજમાં બેદરકારી સબબ ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ હાલમાં જ જામનગર શહેરના સુમરાચાલીમાં થયેલ જુથ અથડામણમાં હત્યા પ્રયાસોનો આરોપી ઝડપાયા બાદ પરમદિને પોલીસ સ્ટેશનમાંથી ભાગી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. સુમરા ચાલી વિસ્તારના ધીંગણાના પ્રકરણમાં પોલીસે પકડેલા એક જૂથના પાંચ આરોપીઓ પૈકી તૌશિફ આમદ ખફી નામનો શખ્સ જાજરૂ જવાના બહાને પોલીસ મથકમાંથી ભાગી છૂટયો હતો. ત્યારબાદ પીઆઇ એમ.જે.જલુ તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલાં આરોપીની શોધખોળ માટે નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમ્યાન પોલીસે તોસીફને મસિતિયા ગામમાંથી ઝડપી લીધો હતો. આ આ પ્રકરણમાં ફરજ પરના એએસઆઇ રસિકભાઇ ધરમશીભાઇ શિંગાળાની ફરજમાં બેદરકારી સામે આવી હોવાથી તેની સામે પણ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તેની અટકાયત કરાઇ હતી.