ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં 170 લોકોનાં મોત થવાની આશંકા છે. તપોવનસ્થિત NTPC પ્રોજેક્ટ સાઈટથી અત્યારસુધીમાં 18 મૃતદેહ મળી આવ્યા છે. અહીં બે ટનલ છે. પહેલી ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે. આ ટનલમાં રવિવારે રાતે પાણી વધી જવાથી રેસ્ક્યૂ ઓપરેશનને અટકાવી દેવાયું હતું. NDRFની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા પછી ઓપરેશન ફરી શરૂ કરી દીધું છે.
તપોવનની જે ટનલમાં 30 લોકો ફસાયા હોવાની આશંકા છે ત્યાં ITBPના 300 જવાન રેસ્ક્યૂમાં લાગી ગયા છે. એરફોર્સના Mi-17 અને ALH હેલિકોપ્ટર્સે સોમવારે સવારે દેહરાદૂનથી જોશીમઠ માટે ઉડાન ભરી. એરિયલ રેસ્ક્યૂ અને રિલીફ મિશન શરૂ કર્યું. NDRF અને ITBPની ટીમ તપોવન વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ITBPના પ્રવક્તા વિવેક પાંડેય કહ્યું હતું કે જરૂર પડ્યે વધુ ટીમ મોકલવામાં આવશે.
રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી. એને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધીન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આ આપદામાં અહીં નુકસાન થયું છે.
ITBPના જણાવ્યા પ્રમાણે, ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 15થી 20 શ્રમિકો લાપતા છે. આ સાથે જ NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયા હોવાની શક્યતા છે. પ્રોજેક્ટ સાઈટથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠ જેટલા મૃતદેહ મળ્યા હતા. એની પુષ્ટિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કરી છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પૈકી 12 તપોવન અને 13 રૈણીના છે.
રાવતના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના બાદ કુલ 125 લોકો ગુમ છે. ઋષિગંગા પ્રોજેક્ટમાં ચાર પોલીસકર્મચારી સહિત 39 લોકો ગુમ છે. અહીંથી 5 કિલોમીટર અંતરે NTPCના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. અહીં 176 શ્રમિકો ડ્યૂટી પર આવવા માટે નીકળ્યા હતા. અહીં બે ટનલ છે. એક ટનલમાંથી 16 લોકોને કાઢવામાં આવ્યા છે. બીજી ટનલમાં કેટલા લોકો છે એની ચોક્કસ માહિતી મળી નથી.
દુર્ઘટના બાદ NDRF અને ADIRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી બચાવકાર્ય કરી રહી છે. ITBPના PRO વિવેક પાંડેના જણાવ્યા પ્રમાણે, રેસ્ક્યૂ ઓપરેશન રાત્રિના સમયે પણ ચાલુ રહેશે. બીજી બાજુ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાંથી પણ 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયતા મળશે.
ગ્લેશિયર તૂટવાથી ધૌલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. થોડી ક્ષણોમાં જ માર્ગમાં આવતા તમામ અવરોધને તે પોતાની સાથે વહાવી લઈ ગઈ હતી. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ સાઈટ સુધી પહોંચતાં-પહોંચતાં નદીએ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું કે તેણે સમગ્ર બંધ વહાવી એની સાથે લઈ ગઈ હતી. સ્થળ પર રહેલાં તમામ મશીનરી અને લોકો પણ એની ઝપેટમાં આવી ગયા હતા.
ત્યાર બાદ સક્રિય બનેલા પ્રશાસને હરિદ્વાર સુધી અલર્ટ જાહેર કર્યું અને ટિહરી બંધથી ભગીરથીમાં પાણીનો ડિસ્ચાર્જ બંધ કરી દીધો છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે.
આ ઘટના બાદ અલકનંદા અને ગંગાકિનારાના વિસ્તારોમાં દહેશત છે. ઋષિકેશમાં રાફ્ટિંગ તથા નાવો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીનગર હાઈડ્રો પાવર પ્રોજેક્ટના બંધને પણ ખાલી કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પ્રજાને અપીલ કરી છે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 જાહેર કર્યા છે. સરકારે અપીલ કરી છે કે આ ઘટના અંગે જૂના વીડિયો સર્ક્યુલેટ કરી અફવા ન ફેલાવવા અપીલ કરી છે. હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે અને માટે ત્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં હોનારતો બાદ કાયમ નદીઓ પરના ડેમ તથા પાવર પ્રોજેક્ટ્સ સામે આંગળી ઊઠતી રહી છે. સુપ્રીમકોર્ટ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. ત્યાં સુધી કે કેન્દ્ર સરકારનું જળ સંસાધન મંત્રાલય 2016માં સુપ્રીમકોર્ટમાં જણાવી ચૂક્યું છે કે ઉત્તરાખંડમાં ગંગા નદી પર કોઇ પણ નવો પાવર પ્રોજેક્ટ પર્યાવરણ માટે જોખમી છે. 2013ની કેદારનાથ હોનારત બાદ એક અરજીના પગલે સુપ્રીમકોર્ટે રાજ્યના 24 પાવર પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. આ કેસ હાલ પણ સુપ્રીમકોર્ટમાં પડતર છે. તે છતાં ઉત્તરાખંડમાં પર્યાવરણના શોષણનો સિલસિલો અટક્યો નથી.
જૂન, 2013ની હોનારત બાદ સુપ્રીમકોર્ટમાં દાખલ એક અરજી અંગે સુનાવણી વખતે પર્યાવરણ મંત્રાલયનું પહેલાં એમ માનવું હતું કે પાવર પ્રોજેક્ટ્સની પર્યાવરણ પર અસર થશે. 2014ની 13 ડિસેમ્બરે સુપ્રીમકોર્ટે આ મામલે કહ્યું હતું કે આ પાવર પ્રોજેક્ટ્સથી વન અને પર્યાવરણને જોખમ હોય તો તેમને રદ કેમ નથી કરાતા? તેમને મંજૂરી આપનારા અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા? વિકાસકાર્યોમાં પર્યાવરણ સાથે બાંધછોડ ન થવી જોઇએ. કોર્ટે પર્યાવરણલક્ષી જોખમને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવિત 39માંથી 24 પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ કેન્દ્ર દ્વારા દાખલ એફિડેવિટમાં જણાવાયું હતું કે સરકાર બધા વિકાસકાર્યો વૈજ્ઞાનિક ઢબે જ કરાવશે.
આ કેસની સુનાવણી હજુ જારી છે. સુપ્રીમકોર્ટે ગત 28 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારને નિર્દેશ જારી કર્યો હતો કે સરકાર ઇચ્છે તો આ પ્રોજેક્ટ ઇકો-સેન્સેટિવ ઝોનની બહાર અન્ય ક્ષેત્રોમાં શિફ્ટ કરવા અંગે વિચારી શકે છે, જેથી લોકોનો જીવ જોખમમાં ન મુકાય.
પૂર્વ મંત્રી ઉમા ભારતી પણ ખતરનાક ગણાવી ચૂક્યાં છે કે અલકનંદા, મંદાકિની, ભાગીરથી અને ગંગા નદીઓ પર કોઇ પણ ડેમ કે પાવર પ્રોજેક્ટ જોખમી હશે.
24 પાવર પ્રોજેક્ટ પર રોક મામલે સુનાવણી દરમિયાન 2016માં તત્કાલીન જળ સંસાધન મંત્રી ઉમા ભારતી દ્વારા દાખલ એફિડેવિટમાં કેન્દ્ર સરકારના વલણથી વિપરીત જણાવાયું હતું કે ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની, ભાગીરથી અને ગંગા નદીઓ પર કોઇ પણ ડેમ કે પાવર પ્રોજેક્ટ જોખમી હશે.
બીજી તરફ પર્યાવરણ અને ઊર્જા મંત્રાલયોએ એફિડેવિટમાં જણાવેલું કે ડેમ બનાવવાનું જોખમી નથી. આનો આધાર 1916ની સમજૂતી છે, જેમાં જણાવાયું કે નદીઓમાં 1 હજાર ક્યૂસેક પાણીનો ફ્લો જાળવી રખાય તો ડેમ બાંધી શકાય છે. પર્યાવરણ મંત્રાલય આને ઇ-ફ્લો કહે છે.
જળ સંસાધન મંત્રાલયે એફિડેવિટમાં ચેતવણી આપી હતી કે પાવર પ્રોજેક્ટ્સને પૂરતા અભ્યાસ વિના મંજૂરી અપાય છે, જે જોખમી છે. તે સમયે નવા 70 પાવર પ્રોજેક્ટની તૈયારી ચાલી રહી હતી. જળ સંસાધન મંત્રાલયે પણ એફિડેવિટમાં ડેમ અને પાવર પ્રોજેક્ટ્સની અસરોની સમીક્ષાની જરૂર જણાવી હતી.
ચારધામ પ્રોજેક્ટના કારણે પણ ઉત્તરાખંડમાં પર્યાવરણને ભારે નુકસાન થયું હતું. સુપ્રીમકોર્ટે રચેલી રવિ ચોપડા કમિટીએ તેના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. તે રિપોર્ટના આધારે સુપ્રીમકોર્ટે કેન્દ્રને 7 મી.ના બદલે 5.5 મીટર પહોળા રસ્તા બનાવવા આદેશ કર્યો હતો.
ઉતરાખંડ પૂરની દુર્ઘટના સામે આવ્યા બાદ જામનગર જિલ્લામાંથી જે કોઇ યાત્રિકો ઉતરાખંડના રૂટ પર હોય અને સંપર્ક ન થતો હોય કે, ફસાયેલા હોય તેવા લોકોના પરિવાજનો માટે જામનગર વહિવટ તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા બાદ જામનગરના કેતનભાઇ જાનીએ પોતાનો પુત્ર રાજદીપ(27) અમદાવાદના જુથ સાથે ઉતરાખંડમાં દેહરાદુનથી કેદાર કંઠના રૂટ પર હોવાની કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જામનગર જિલ્લા કન્ટ્રોલ રૂમના ફોનનં.2553404 પરથી જાણવા મળ્યું છે કે,જામનગરના રણજીત સાગર રોડ પર પિનલ હાઇટ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.એ-402 માં રહેતાં રાજદીપ જાની સાતમી ફેબ્રુઆરીએ સવારે દહેરાદુનથી કેદારનાથ જવા નિકળ્યા હતાં. આ ઉપરાંત જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં અંબિકા ડેરી નજીક રહેતો જય વિપુલભાઇ ફલીયા નામનો 23 વર્ષનો યુવાન અન્ય 25 ટ્રેકર સાથે કેદારનાથ ખાતે ગત્ બીજી ફેબ્રુઆરીએ જામનગરથી કેદારનાથ જવા નિકળ્યો હતો. જેના મો.94083 23910 છે. કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે જામનગરના આ બે માંથી એકેય યુવાનનો હજુ સુધી (સોમવારે સવારે 9:54 સુધી) સંપર્ક સાધી શકાયો નથી. રાજકોટથી મળતો અહેવાલ જણાવે છે કે, જામનગરના 6 યાત્રીઓ સલામત છે. પરંતુ જામનગર જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે આ બે યુવાનોના પરિવારજનોએ જ હજુ સુધી કન્ટ્રોલ રૂમનો સંપર્ક કર્યો છે.