જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન જામનગર મહાપાલિકાની ફુડ શાખાએ આરોગ્ય વિશેષક ઝુંબેશ હાથ ધરી શહેરના જુદાં-જુદાં વિસ્તારો તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડના મેળામાંથી મોટી માત્રામાં અખાદ્ય પદાર્થનો નાશ કર્યો છે.
મહાપાલિકાની ફુડ શાખા દ્વારા તહેવારોના દિવસો દરમ્યાન ખાદ્ય પદાર્થો વેચતા વિક્રતાઓને ત્યા તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ત્રણ દિવસ દરમ્યાન કુલ 130 કિલો વાસી બટેટા, ચણા, રગડો, દાળ, પાણીપુરીનું પાણી, વગેરેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોકુલનગર વિસ્તારમાં આવેલી મીઠાઇ ફરસાણની આઠ જેટલી દુકાનોમાં ખાદ્ય તેલ, કાચોમાલ, તૈયાર મીઠાઇ-ફરસાણની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 25 કિલો જેટલું તેલ બાયોડિઝલ જણાતા તેનું સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જયારે 10 કિલો ફરસાણાનો પણ નાશ કરાયો હતો.
શ્રાવણી મેળા દરમ્યાન ફુડ શાખાએ મેળામાં ખાદ્યપદાર્થ વેચતા 65 વિક્રેતાઓને સ્થળ ઉપર જ હંગામી ફુડ લાયસન્સ આપવામાં આવ્યા હતાં. જે પેટે રૂા.6,500 ફીની વસુલાત પણ કરવામાં આવી હતી. ફુડ શાખાએ તમામ વિક્રેતાઓને સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે તાકિદ કરી હતી.