અગ્નિવીરો માટે કેન્દ્ર અને રાજય સરકારોના જુદા-જુદા વિભાગો દ્વારા અનેક અવસરોની ભરમાર કરવામાં આવી હોવા છતાં ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી યોજાઇ રહેલા યુવાનોના હિંસક દેખાવોને ધ્યાનમાં રાખી દિલ્હીમાં જંતરમંતર પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે યુવાનોના દિલ્હી કૂચના એલાનને પગલે રાજધાની દિલ્હીને જોડતી તમામ સડકો સિલ કરી દેવામાં આવતા દિલ્હીમાં ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ ઝારખંડમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. જયારે બિહારમાં એક ડઝનથી વધુ શહેરોમાં કલમ 144 લાગુ કરી અહીં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત રાજયોમાં સુરક્ષા વ્યવસ્થા સજજડ બનાવવામાં આવી છે.
ખાસ કરીને રેલવે સ્ટેશનોની, સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જુદી-જુદી રાજય સરકારો દ્વારા ઉપદ્રવ્યો સામે કડક પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી છે. ભારત બંધ દરમ્યાન દરેક ગતિવિધીની સતર્કતા પૂર્વક દેખરેખ કરવામાં આવશે. તેમજ મોબાઇલ, કેમેરા, સીસી ટીવી વડે હિંસા આચરનાર સામે ડિઝિટલ પુરાવા એકત્ર કરવામાં આવશે. હરિયાણા અને ફરિદાબાદમાં 2000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જયારે કેરળમાં સરકારી સંપતિઓને સુરક્ષા પ્રદાન કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના દરેક મોટા શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.