અખાતના દેશોમાં વરસાદે કહેર સર્જયો છે. સાઉદી અરેબિયા બાદ સંયુક્ત આરબ અમિરાત જળબંબાકાર બન્યુ છે. ભારે વરસાદને પગલે વાહનથી માંડીને વિમાની સેવા અસ્તવ્યસ્ત બની હતી. એક ભારતીયનુ મૃત્યુ પણ નિપજયુ હતું. લોકોને કામ વિના બહાર નહીં નિકળવાની ચેતવણી આપવામાં આવી હતી. સમગ્ર સંયુક્ત આરબ અમિરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની હાલત સર્જાઈ હતી. એમિરેટસ તથા ફલાઈ અબુધાબી જેવી એરલાઈન્સોએ અનેક ફલાઈટ રદ કરી નાખી હતી અથવા સમય બદલાવ્યો હતો. ખાનગી કંપનીઓને કામકાજ મર્યાદીત કરવા સુચવ્યુ છે. અબુધાબીએ તમામ જાહેર-સામાજીક કાર્યક્રમો રદ કરી નાખ્યા હતા. ભારે વરસાદ વચ્ચે દિવાલ તૂટી પડતા સલમાન ફરિઝ નામના 27 વર્ષીય ભારતીય યુવકનું મોત નિપજયુ હતું. યુએઈ હવામાન વિભાગ દ્વારા દેશભરમાં ઝંઝાવાતી પવન સાથે તોફાની વરસાદ થવાની અને દરિયો ગાંડોતૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. સ્કુલોને કોઈ રમતગમતના કાર્યક્રમો નહીં કરવા કહેવામાં આવ્યુ છે. વરસાદને કારણે વાહનોને 100 કીમીથી વધુની રફતારની નહીં ચલાવવાની સૂચના આપવામાં આવી છે. અબુધાબીમાં સતાવાળાઓ દ્વારા તમામ પાર્ક અને બીચ પણ સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ વરસાદનો દોર જારી રહેવાની શકયતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. શારજાહમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરીને પુર સંકટની ચેતવણી આપવામાં આવી છે. લોકોને બહાર નિકળવામાં સાવધાની રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે.


