જામનગર શહેરમાં ડીપી કપાત રોડ માટેની કાર્યવાહી અંતર્ગત મંદિર સહિતની જગ્યાઓને ખસેડવાના મામલે મહાપાલિકાના તંત્ર દ્વારા પ્રથમવખત જ મંદિરના સંચાલકો અને ટ્રસ્ટીઓ સાથે વાતચીત બાદ નવા સ્થળે મંદિર બની ગયા બાદ મૂર્તિની સ્થાપના થયા પછી શુક્રવારે મંદિર સહિતની જમીન ખુલી કરવા ડીમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં, શહેરની મઘ્યમાં આવેલા રણમલ લેક ડેવલપમેન્ટ-2નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ડેવલોપમેન્ટ માટે જૂની આરટીઓ કચેરીથી પ્રદર્શન મેદાન સુધીના માર્ગને ખુલ્લો કરવા માટે માર્ગમાં અવરોધરૂપ જંગલેશ્વર મહાદેવ મંદિર સહિતના સ્થળોને હટાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા સહિતનાઓએ જામનગરના ઇતિહાસમાં પ્રથમવખત આ કપાતમાં આવતા મંદિર માટે ધાર્મિક લાગણી ન દુભાય તે સંદર્ભે મંદિરના ટ્રસ્ટીઓ અને સંચાલકો સાથે આગોતરા આયોજનના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંદિર માટે અલગ જગ્યા અગાઉથી જ ફાળવી દેવામાં આવી હતી. ત્યારબાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ રોડ માટે મંદિર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ભક્તોની ધાર્મિક લાગણી ન દુભાય અને મંદિર દૂર કરાય તે પહેલાં જ નવું મંદિર બની ગયું હતું.
આ મામલે ગઇકાલે મંદિરના ડીમોલીશન બાદ મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, જંગલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી રમેશભાઇ ચૌહાણ સહિતના અધિકારી દ્વારા આ રોડ માટે અગાઉથી જ આયોજન કરી મંદિર નવનિર્માણ પામ્યા બાદ જૂના મંદિરનું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.


