જામજોધપુરથી તરસાઇ સુધીનો માર્ગ પહોળો કરવાની માગણી સાથે ખેડૂત ઉત્કર્ષ સમિતિ દ્વારા રેલી યોજી જામજોધપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામજોધપુરથી તરસાઇ સુધીનો આશરે 35 કિ.મી.નો રસ્તો બિસ્માર હાલતમાં હોય. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અંદાજે નવ વર્ષ પહેલાં રસ્તાનું કામ કરવામાં આવ્યું હોય ત્યારબાદ કોઇ રિપેરીંગ કરાયું નથી. આ રસ્તો મહિકી થી સત્તાપર, વાસજાળીયા સહિત અનેક નેસડાને જોડતો મુખ્ય માર્ગ હોય, હાલમાં ખાડા-ખડબા થઇ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને જીવન જરુરી વસ્તુ ખરીદવા જામજોધપુર આવવુ પડતું હોય. આ રસ્તાનો રોજિંદો ઉપયોગ થાય છે.
આ ખખડધજ રસ્તાને કારણે અસંખ્ય અકસ્માતો થાય છે. કેટલાંક લોકોના મૃત્યુ પણ થયા છે. આ વિસ્તારની પ્રજાને ઇમરજન્સી સમયે તેમજ પ્રસૃતિ સમયે હોસ્પિટલે પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે તથા આ રસ્તો સિંગલ પટ્ટીનો હોય, ટ્રાફિક સમસ્યા રહે છે. જેથી આ રસ્તો ડબલપટ્ટીનો કરવા તેમજ નંદાણાથી સ્ટેટ હાઇવેને જોડતો રસ્તો બનાવવા માગણી કરાઇ છે. તેમજ જો માગણી નહીં સ્વિકારાઇ તો રસ્તો રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.
ખેડૂત હિતરક્ષક સમિતિના હેમતભાઇ ખવાના નેજા હેઠળ તાલુકા પંચાયત સદસ્ય હેમત કરંગીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવિંદભાઇ બડીયાવદરા, તાલુકા પંચાયત પૂર્વસદસ્ય સાજણભાઇ બોદર તાલુકા સંઘના સભ્ય કારા પટેલ, તરસાઇના સરપંચ રતેશભાઇ, પૂર્વ સરપંચ અશોકભાઇ ફળદુ, સત્તાપરના ઉપસરપંચ રામભાઇ, પૂર્વ સરપંચ દેવા રાજભાઇ, છેલાણા અગ્રણી જયદીપ હેરમા, પરબતભાઇ કાબંલીયા, ઇશ્ર્વરીયા સરપંચ મહેન્દ્રભાઇ, અગ્રણી શૈલેષગીરી ગોસ્વામી, રાજુભાઇ ધુળા, ભરવાડ સમાજના અગ્રણી નારણભાઇ વગેરેને ઉપસ્થિતિમાં રેલી યોજી જામજોધપુર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું.