જામનગર શહેરમાં કલાકારોની કલા પ્રદર્શિત થવા હેતુ આર્ટ ગેલેરી પ્રસ્થાપિત કરવા નવાનગર નેચર કલબના નેજા હેઠળ જામનગર શહેરના કલાકારો, કલા રસિકો તથા કલા શિક્ષકો દ્વારા આજરોજ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, જામનગર શહેર દિન-પ્રતિદિન વિકસતુ જાય છે. શહેરના વિકાસની સાથે સાથે શિક્ષણ અને કલાનો વ્યાપ પણ વધી રહ્યો છે. ત્યારે પેઇન્ટીંગ, શિલ્ક તેમજ ફોટોગ્રાફીના ક્ષેત્રને જામનગરમાં સ્થાન મળે તે હેતુથી એક આર્ટ ગેલેરીનું સ્થાપન કરવા માગણી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં ઘણા વર્ષોથી આર્ટ ગેલેરીઓ ચાલે છે. તેમજ પોરબંદર-રાજકોટ તથા ભાવનગર જેવા શહેરોમાં પણ મહાનગરપાલિકા હસ્તક આર્ટ ગેલેરીઓ આવેલી છે. પરંતુ જામનગરમાં એકપણ આર્ટ ગેલેરી નથી. શહેરમાં અંદાજે 50 જેટલા કલાકારો કાર્યરત છે. જેમાના કેટલાંક કલાકારો નેશનલ લેવલે પણ પોતાની કલા પ્રદર્શિત કરી ચૂકયા છે. ત્યારે શહેરના કલાકારો અને કલાપ્રેમી જનતા માટે અને નવી યુવા પેઢીને પ્રોત્સાહન મળે તે માટે જામનગરમાં આર્ટ ગેલેરીનું નિર્માણ કરવા નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, શહેરના નામાંકિત કલાકાર આનંદ શાહ, મ્યુ. હાઇસ્કૂલના ચિત્ર શિક્ષક આસુતોષ ભેડા, ડીસીસી હાઇસ્કૂલના ચિત્ર શિક્ષક ઋત્વીજ મહેતા, નેશનલ હાઇસ્કૂલના ચિત્ર શિક્ષક નીતિન પરમાર, વગેરે દ્વારા આવેદનપત્ર પાઠવી આર્ટ ગેલેરીનું નિર્માણ કરવા માગણી કરાઇ હતી.