ખંભાળિયા શહેર દાયકાઓ અગાઉના રાજવી રાજા જામ સાહેબનું રાજગાદીનું સ્થળ હતું. અહીં જામનગરના દરેક રાજાનું રાજતિલક થતું હતું. જેની યાદગીરી રૂપે તીલાટ મેડી હજુ પણ અહીંના દરબારગઢ (મેઈન બજાર) વિસ્તારમાં સ્થાપિત છે.
ખંભાળિયામાં પ્રાચીન કોતરણી તથા શિલ્પ – સ્થાપત્યયુક્ત ગઢની રંગ સાથે કિલ્લાના અવશેષો તથા પ્રાચીન દરવાજાઓ હજુ પણ હયાત છે. આ ઐતિહાસિક સ્થાપત્યો અને જીર્ણ થતાં તોતિંગ દરવાજાઓ અને રાંગ (દીવાને વિકસાવવા તેમજ પ્રાચીન સંસ્કૃતિ તથા સ્થાપત્યોનું વારસા તરીકે રક્ષણ કરવાના હેતુથી ખંભાળિયા નગરપાલિકા અને અગાઉ શહેરની આગવી ઓળખ માટે ફાળવવામાં આવેલા રૂપિયા ત્રણ કરોડની રકમ આ સ્થળોને હેરિટેજ તરીકે વિકસાવવા માટે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રવાસન મંત્રી અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા તથા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમા ખંભાળિયા ગેઈટની જેમ ખંભાળિયામાં પોરબંદર ગેઈટ, દ્વારકા ગેઈટ, સલાયા ગેઈટ એમ ત્રણ સ્થળોએ પ્રાચીન દરવાજા તથા બારીઓ આવેલી છે. અહીં સ્થાપત્યો પણ જોવા મળે છે. આ ઉપરાંત શહેરમાં અમુક જગ્યાઓએ પ્રાચીન કિલ્લો (ગઢ) પણ છે. તેનું સમારકામ કરીને પ્રાચીન સ્થાપત્યો તરીકે વિકસાવી આવનારી પેઢી આ ઐતિહાસિક મૂલ્યને સમજે તે માટે આગવી ઓળખની ખાસ ગ્રાન્ટ આ કામ માટે મંજૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ મહત્વની બાબતે આ પંથકના વયોવૃદ્ધ વડીલો સાથે અગાઉની પેઢી પણ પ્રાચીન સ્થાપત્યોનું રક્ષણ અને વિકાસ ઈચ્છી રહી છે.