જામ્યુકો સંચાલિત ઢોરના ડબ્બામાં થતા ઢોરોના મૃત્યુ અંગે બેદરકારી દાખવનાર અધિકારીને તેના પદ પરથી દૂર કરી અન્ય અધિકારીની નિમણૂંક કરવા પૂર્વ વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જો આ અંગે કાર્યવાહી નહીં થાય તો કમિશનરની ચેમ્બર બહાર ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા સંચાલિત ઢોરના ડબ્બામાં અવાર-નવાર ગાયોના મૃત્યુ થાય છે. ખાદ્ય ખોરાકી વિના આ મૃત્યુ થતા હોવાનું જાણવા મળતું હોય છે. ત્યારે ઘાસચારાના બિલો મંજૂર થતા હોવા છતાં ઘાસચારો મળતો ન હોય. આ અંગે તપાસ કરવી જોઇએ. તેમજ ઢોરના ડબ્બામાં પશુઓના મૃત્યુ થાય તો તેની તપાસ પણ કરવી જોઇએ. આથી બેદરકાર ઢોરના ડબ્બા સંચાલન અધિકારીઓને તાત્કાલિક તેના પદ પરથી દુર કરી અન્ય અધિકારીની નિમણૂંક કરવા માંગણી કરવામાં આવી છે. જો તેમને દૂર કરવામાં નહીં આવે તો જે ગાયોના મૃત્યુ થયા છે. તેમના માલિકોને સાથે રાખી કમિશનરની ચેમ્બર સામે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.