ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ટોલ ગેઈટ પાસેથી ત્રણ દિવસ પૂર્વે રાત્રિના સમયે એક આઈસર વાહનમાં ક્રૂરતાપૂર્વક કરીને લઇ જવાતી નવ ભેંસો અહીંના પશુ સેવકો દ્વારા પકડી પાડી, આરોપી ટ્રકચાલકને અહીંના પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ડ્રાઈવર તથા ભેંસોના માલિકની સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પશુ સેવકો દ્વારા પૂછપરછમાં વાહન ચાલક દ્વારા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પશુઓની હેરાફેરી માટે લેટરપેડ ઉપર દાખલો લખી આપવામાં આવ્યો હતો. આ મુદ્દે ખંભાળિયા શહેર તથા તાલુકાના ગૌ સેવક દ્વારા અહીંના જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીએ ચોખંડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેટરપેડ આપી અને પશુઓની હેરાફેરી કરવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભાણવડના ચોખંડા ગામના સરપંચ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના જુદા-જુદા વિસ્તારોના અબોલ જીવો, ગાયો તથા ભેંસોને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરી આપવા માટે નિયમ વિરુદ્ધ દાખલાઓ બનાવી અને ગેરકાયદેસર કૃત્ય કરતા હોવાથી તેમણે તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ ગૌભક્ત દેશુરભાઈ ધમા, નિલેશભાઈ શુક્લ વિગેરેએ કરી હતી.