- Advertisement -
કલ્યાણપુર તાલુકામાં આવેલો અને વિશાળ એવો સાની ડેમ કે જે અનેક ગામોની તરસ છીપાવવા તથા ખેતી માટે આશીર્વાદરૂપ છે, આ ડેમ છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત બની રહેતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જે ઘણા સમયથી પૂર્ણ થયું ન હોય, આ અંગે ખંભાળિયાના અગ્રણી તબિબ તથા શિક્ષણ વિદ્દ દ્વારા જિલ્લા કલેક્ટર સહિતના તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ચુર ગામ પાસે આવેલો વર્ષો જૂનો સાની ડેમ છેલ્લા કેટલાક વર્ષોથી ક્ષતિગ્રસ્ત બની રહેતા મહત્વના આ ડેમમાં ચોમાસુ પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કલ્યાણપુર ઉપરાંત દ્વારકા તાલુકા માટે મહત્વના તેમજ અનેક ગામોને પીવા માટેના તેમજ ખેડૂતો માટે સિંચાઈના પાણી માટેનો અતિ મહત્વનો સ્ત્રોત એવો સાની ડેમ આ વિસ્તારની જનતા માટે વિશાળ નદી કે નાના સમુદ્ર સમાન બની રહ્યો છે. પરંતુ રીપેરીંગના કારણોસર છેલ્લા બે વર્ષથી આ ડેમમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. જેના કારણે આ વિસ્તારની જનતા તેમજ ખેડૂતોને પાણી બાબતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ડેમમાં આરસીસીના કામ માટે અપાયેલા કોન્ટ્રાક્ટ પછી પણ હજુ સુધી આ કામગીરી અધુરી છે. આગામી દિવસોમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થશે. પરંતુ ડેમની અધુરી કામગીરીથી સતત ત્રીજા વર્ષે પણ સાની ડેમમાં પાણી ભરી ન શકાય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.
કલ્યાણપુર તથા દ્વારકા પંથકના આશરે એક લાખ જેટલા રહીશો- ખેડૂતો માટે મહત્વના એવા આ ડેમનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરીને તાકીદે પૂર્ણ આવે તે બાબતની સવિસ્તૃત લેખિત રજૂઆત અહીંના યદુનંદન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ભગવતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ દેવભૂમિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પી.વી. કંડોરીયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી માલતીબેન પરબતભાઈ કંડોરીયા દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. આ પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી, સાંસદ વિગેરે પણ મોકલવામાં આવી છે.
- Advertisement -