જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાને ભારે વરસાદમાં બંધ રખાવતા મેળાની ટેન્ડરની રકમ પરત આપવાની માંગણી સાથે સ્ટોલધારકો દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરના પ્રદર્શન મેદાનમાં તા.20 ઓગસ્ટથી તા.3 સપ્ટેમ્બર સુધી જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ધંધાર્થીઓ દ્વારા ટેન્ડર ભરીને રમકડા સ્ટોલ, ખાણીપીણી સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ વગેરે માટે જગ્યા ભાડે રાખી હતી. રાઇડસ સંચાલકોની વહીવટી તંત્રની મંજૂરીની જટિલ પ્રક્રિયાને કારણે મેળો નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ મોડો શરૂ થયો હતો. આ ઉપરાંત મુખ્ય તહેવારોના દિવસો દરમિયાન જ ભારે વરસાદને પરિણામે વહીવટી તંત્ર દ્વારા લોકોની જાનમાલની સલામતીને ધ્યાને લઇ નવી સૂચના ન અપાય ત્યાં સુધી શ્રાવણી મેળો બંધ રાખવા આદેશ કરાયો હતો. જે હજુ સુધી બંધ છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક સ્ટોલધારકોની તબિયત લથડી છે. અને મેળાના મેદાનમાં કોઇ સિકયોરિટી ગાર્ડ કે તબીબ જેવી સુવિધા ન હોવાથી સ્ટોલધારકોને હાલાકી ભોગવવી પડે છે.
આ વર્ષે મેળો વિલંબથી શરૂ થવાથી તેમજ મુખ્ય તહેવારોમાં બંધ રહેવાથી સ્ટોલધારકોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી છે. આથી મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન રદ્દ કરી સ્ટોલધારકો દ્વારા ભરપાઈ કરવામાં આવેલી રકમ વળતર સ્વરૂપે પરત આપવા માંગણી કરાઇ છે. કિશન હસમુખભાઈ રાઠોડ તથા રમકડા સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલના ધંધાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.