જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં પાણીના નિકાલના વોંકળામાં બાજુની સોસાયટીના લોકો દ્વારા અવરોધ ઉભો કરવામાં આવ્યો હોય. જેને દુર કરવાની માંગણી સાથે જડેશ્વર પાર્કના રહેવાસીઓ દ્વારા મેયર તથા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
મેયર તથા કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરના સાધના કોલોની પાછળ આવેલ જડેશ્વર પાર્કમાં અનેક પરિવારો વસવાટ કરે છે. આ સોસાયટીની પૂર્વ દિશામાં આશિર્વાદ દિપ સોસાયટી આવેલી છે. બન્ને સોસાયટી વચ્ચે વોંકળો, નાલુ આવેલ છે. જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે. આ વોંકળો આગળ જતાં રંગમતિ-નાગમતિ નદીને ટચ થઈ તેમાં પાણી નિકાલ થાય છે. પરંતુ, હાલમાં જડેશ્વર સોસાયટી અને આશિર્વાદ દિપ સોસાયટી વચ્ચે આવેલા પાણીના વોંકળાને માટીથી બુરવાનું અને દિવાલ કરી વરસાદી પાણીના નિકાલને અવરોધવાનું આર્શિવાદ દિપ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે થયેલ વરસાદમાં જડેશ્વર સોસાયટીના રહેવાસીઓના મકાનમાં દરેક ઘરોમાં બે થી પાંચ ફુટ જેટલા પાણી ભરાયા હતાં.
આ વિશાળ વોંકળા તથા નાલાને સદંતર બંધ કરાશે તો ભવિષ્યમાં વધુ પાણી ભરાઈ શકે છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકાઇ શકે છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી પાણી નિકાલના વોંકળા, નાલાને મુળ સ્થિતિએ ખુલ્લો કરવા જડેશ્વર સોસાયટીના રહેવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.