જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ ઘણા લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં હોય જાડાની સુસ્તી ઉડાવવા અને સક્રિય બનાવવા જિલ્લા પંચાયતના સદસ્યની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. જેમાં જાડામાં સમાવિષ્ટ ગામોમાં તાકિદે રસ્તાના કામો હાથ ધરવા માંગણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ઝુલેખાબેન કાસમભાઇ ખફીની આગેવાની હેઠળ જાડામાં સમાવિષ્ટ 10 જેટલા ગામોમાં વરસાદને કારણે ધોવાઇ ગયેલાં રસ્તાઓની તાકિદે મરામત કરવા માટે ગ્રામજનો દ્વારા જાડાના કારોબારી અધિકારીઆ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને ચેલ, મસિતીયા, દરેડ, કનસુમરા વગેરે ગામોમાં રસ્તાઓને ભારે નુકસાન થયું છે. આ માર્ગ પર તાકિદે મોરમ પાથરવા તેમજ જાડા હેઠળ આવતાં ગામોમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટેની માંગણી કરવામાં આવી છે. જાડામાં સમાવિષ્ટ ગામડાઓની સમસ્યાઓનો ઉકેલ તાકિદે લાવવામાં નહીં આવે તો દર શુક્રવારે જાડાની ઓફિસમાં ધરણાં આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.