જામનગરની જી.જી. હોસ્પિટલની કોવિડ હોસ્પિટલના પટાંગણમાં બુધવારે સફાઇકર્મીઓ વચ્ચે થયેલ બબાલ બાદ પોલીસ દોડી આવતાં લોકોને સમજાવવા ગયેલા પોલીસ કર્મચારીઓ ઉપર ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઘટના દરમિયાન દર્દીઓ અને તેના સગા-વ્હાલાઓ ઉપર બ્લોકના છુટા ઘા પણ થયા હતાં. તેમજ સરકારી મિલકતોને નુકસાની પહોંચી હતી. જેને ધ્યાને લઇ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યા સહિતની ફરિયાદો નોંધી હતી. આ ઘટના અંગે સમસ્ત દલિત સમાજ તેમજ વાલ્મિકી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને કોવિડ હોસ્પિટલમાં થયેલ આ ઘટના અંગે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ વાલ્મિકી સમાજમાં અટક કરાયેલા લોકોને છોડી મૂકવાની માંગ સાથે ગઇકાલે વિવિધ સંગઠનોએ આગેવનપત્ર પાઠવ્યા હતાં તેમજ રસ્તા પર બેસી ધરણા કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. બુધવારની આ ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા પણ જામનગર દોડી આવ્યા હતાં. તેમણે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રનને આ ઘટના અંગે યોગ્ય કામગીરી કરવા અને વાલ્મિકી સમાજને ન્યાય અપાવવા માંગણી કરી હતી.
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે ગત બુધવારના રોજ હોસ્પિટલના પટાંગણમાં ટિફિન દેવાની બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેને અટકાવવા માટે પહોંચેલ પોલીસ કર્મચારીઓ ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. તેમજ ટોળા દ્વારા બ્લોકના તેમજ પથ્થરના ઘા પણ કર્યા હતાં. હોસ્પિટલના પટાંગણમાં સર્જાયેલી માથાકુટની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં કેટલાંક શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. જેને લઇને વાલ્મિકી સમાજમાં તેમજ દલિત સમાજમાં રોષ છવાયો હતો. જેને લઇને ગઇકાલે સમસ્ત દલિત સમાજ જામનગરના પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ, શહેર જિલ્લા જામનગર વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખના પ્રમુખ દિપકભાઇ વાઘેલા, અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ, ઋષિ વાલ્મિકી પેટા પંચાયત નવાગામ (ઘેડ)ના પ્રમુખ સંજય ચૌહાણ, સામાજિક કાર્યકર મહેશભાઇ બાબરીયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા ઉપપ્રમુખ દેવરાજભાઇ ગોહિલ સહિતના વિવિધ સમાજ, સંસ્થાઓના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી આ ઘટનાની કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ ઉપરાંત રાષ્ટ્રીય સફાઇ આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાએ પણ ગઇકાલે આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેમજ જામનગરના બંને મંત્રીઓને પણ આ અંગે રજૂઆત કરી હતી.
જામનગર કોવિડ હોસ્પિટલમાં સફાઇકર્મીઓ વચ્ચે થયેલ બબાલની યોગ્ય તપાસ કરવા માંગણી
વાલ્મિકી સમાજ તેમજ દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયા