વોર્ડ નં.1 તથા શહેરી વિસ્તારના વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા અને પ્રિ-મોન્સુન કામગીરી તાત્કાલિક કરવા વોર્ડ નં.1 ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ છે.
જેમાં જણાવ્યું છે કે, ગત વર્ષે ચોમાસામાં જામનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. હાલ પણ વરસાદી પાણીના નિકાલ અંગેની જે સફાઈ કામગીરી છે તે સંપૂર્ણપણે વિશ્ર્વસનીય રીતે નથી થઇ રહી. વરસાદી પાણી જે વિસ્તારમાંથી દરિયામાં ભળે છે તે વિસ્તારના મુખ્ય ભાગોમાં કોઇ સફાઈ થતી ન હોવાથી વરસાદી પાણી અન્ય વિસ્તારમાં ફેલાઈ છે અને લોકોની જિંદગી તથા કિંમતી માલસામાનને નુકસાન થાય છે.
આથી જામનગર-ગાંધીનગર રેલવે સ્ટેશનના નવા પુલિયા પાસેથી દરિયામાં નકટી વાળી ચેનલ (મરીન પોલીસ સ્ટેશનના પાછલા વિસ્તારથી) જે દરિયાના મુળમાં રોજી બંદર સુધી મળે છે તે ચેનલમાં વરસાદી પાણીને અવરોધના ઝાડી, ઝાંખરા, બાવેળા વિગેરને દૂર કરી ચેનલ સાફ કરાવવા, જામનગર વોર્ડ નં.1 ના ગરીબનગર પાણાખાણ વિસ્તારથી બેડીના ઢાળિયા પાસેથી જુમ્મા મસ્જિદના પાછળના વિસ્તારથી બેડી ટ્રેકની નાલા સુધીની ચેનલ સાફ કરાવવા, વોર્ડ નં.1 ના બેડી વિસ્તારમાંથી રેલવે ટે્રકમાં આવેલી નાલીઓ સાફ કરાવવા, વોર્ડ નં.1 ના બેડી વિસ્તારના રેલવે ટ્રેકના બધા જ નાલાઓથી જીતુ લાલના કાંટા સુધીની રેલવે ટ્રેક પછી અને થરીની પોલીટેકનિક કોલેજ સુધી રેલવે ટ્રેક પાસેના ઝાંડી ઝાંખરા દૂર કરાવવા સહિતની બાબતો તાત્કાલિક ધ્યાને લઇ અને બેડી વિસ્તારના બેડીના ઢાળિયા, કુંગડાવાળા વિસ્તાર, મસ્જિદ ચોક, ભરવાડ પાડો, ખારી વિસ્તાર, ગઢવાળો વિસ્તાર, થરી વિસ્તાર, રેલવે ટ્રેકવાળો વિસ્તાર વિગેરેના વરસાદી પાણી ભરાય તેમ હોય જેથી તાત્કાલિક ઘટતું કરવા માંગણી કરાઇ છે.