સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ થયો હોય, જિલ્લાના તમામ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા માગણી કરવામાં આવી છે.
રાજ્યપાલને સંબોધીને લખવામાં આવેલુ આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનુસાર આ વર્ષે જામનગર જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 30-32 દિવસથી તો વરસાદ સાવ વરસ્યો જ નથી. જેને કારણે ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે.
જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે સહાય અને નુકસાનીનું વળતર મળે તેવી વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે.