કમોસમી વરસાદને કારણે યાર્ડમાં ખેડૂતોનો જણસી પલળી જાય છે. જેના કારણે ખેડૂતોને નુકસાની જતી હોય છે. આથી કમોસમી વરસાદને કારણે યાર્ડમાં જણસીને થતી નુકસાનીનું વળતર યાર્ડ દ્વારા ખેડૂતોને આપવા રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. દિનેશ પરમાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ માસમાં ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ થયો છે. જેમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલને મોટુ નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલ ખુલ્લામાં રખાય છે અને તેની હરરાજી થાય છે. યાર્ડના સત્તાધિશો છતવાળા પાકા શેડ બનાવતા નથી. તેના લીધે વરસાદમાં ખેડૂતોનો માલ પલળી જાય છે. જેથી ખેડૂતોનું લાખોનું નુકસાન થાય છે. છેલ્લા ત્રણ માસમાં કમોસમી વરસાદથી ખેડૂતોના માલને નુકસાની થઇ છે. યાર્ડ દ્વારા ખેડૂતોને કોઇ નુકસાનીની મદદ કરવામાં આવી નથી. આથી તમામ માર્કેટ યાર્ડમાં પાકા છતવાળા શેડો બનાવવા ફરજિયાત હુકમ કરવા માગણી કરવામાં આવી છે. યાર્ડના સત્તાધિશો પાકા શેડોના ગોડાઉન ન બનાવે તો ખેડૂતોના માલની હરરાજી કરી નહીં શકે. તેવો કાયદો બનાવવા તથા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કે વેપારીઓનો માલ પલળે તો તેનું વળતર યાર્ડના સત્તાધિશો પાસેથી વસુલવા પણ આ પત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.